સાયબર ક્રાઈમ:ચાંદખેડાની યુવતીને ઠગાઈના કેસમાં દિલ્હી આવવું પડશે, સોંપેલા કામમાં પેનલ્ટી લાગ્યાનું કહી રૂપિયા પડાવ્યા

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન ચિટિંગ અને સાયબર ફ્રોડ નું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે ચાંદખેડામાં રહેતી એક યુવતીને ઠગ ટુકડીએ ફોન કરી તમને સોંપવામાં આવેલું કામ તમે સમયસર પૂર્ણ નહીં કર્યું હોવાથી તમને પેનલ્ટી લાગશે અને તમારી સામે ચીટીંગ નો કેસ દાખલ કરવામાં આવશે તેમ કહી યુવતી પાસેથી પૈસા પડાવ્યા હતા. જે બાબતે યુવતીએ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તે ડીએસ સર્વિસ નામની કંપનીમાં ચારેક વર્ષ પહેલાં કામ કરતી હતી. ગત જુન મહિનામાં બપોરના સમયે તે ઘરે હાજર હતા તે દરમિયાન બે વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ ફોન પર એક ફોન આવ્યો હતો. અને પૂજા એડવોકેટ બોલતા હોવાનું જણાવી જ્યારે તેઓ કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે કંપની તરફથી આપવામાં આવેલ કામ સમય મર્યાદામાં પૂરું કરેલ નથી. તેની પેનલ્ટીના પૈસા ભર્યા નથી. તેવું જણાવાયું હતું.જોકે ફરિયાદીએ જણાવ્યું હતું કે, જે તે સમયે પેનલ્ટીના રૂપિયા 7600 ભરેલ છે અને તેની એનઓસી પણ મેળવેલ છે. તેમ છતાં બીજી પેનલ્ટી ભરવાની બાકી છે તેમ કહીને સિનિયર એડવોકેટ રણજીત ઠાકોરને ફોન ટ્રાન્સફર કરેલ. જેણે ફરિયાદીને જણાવ્યું હતું કે, દિલ્હી કોર્ટ ખાતે તમારો કેસ આવેલ છે અને કંપનીના રુલ્સ મુજબ તમે પેનલ્ટી ભરેલ નથી જેથી તમારે દિલ્હી આવું પડશે ત્યાં એક દિવસથી વધારે સમય લાગશે તેમ કહી પહેલા ડિજિટલ સિગ્નેચર તથા ફોટો મોકલી આપો તો કેસ સોલ્વ કરી શકાય તેવું જણાવ્યું હતું.જેથી ફરિયાદીએ તેને ફોટો અને ડિજિટલ સિગ્નેચર whatsapp મારફતે મોકલી આપેલ બાદમાં એગ્રીમેન્ટ કરવા માટે રૂપિયા 25,710 ની માંગણી કરી હતી. જે ફરિયાદીએ યુપીઆઈ મારફતે રણજીતસિંહ એ આપેલ એક્સિસ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એગ્રીમેન્ટ થઈ જશે પરંતુ બીજા 32,165 રૂપિયા ભરવા પડશે તેવું જણાવતા ફરિયાદી એ કેસ સોલ્વ થઈ જાય છે તેમ વિચારીને બીજા રૂપિયા પણ મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેઓને જણાવવામાં આવ્યું હતું કે તમારું કામ હાલમાં થઈ ગયું છે. પરંતુ તમારે અમારાથી પણ ઉપરના સિનિયર એડવોકેટ સાથે વાત કરવી પડશે. બાદમાં 15 મિનિટ પછી એસબી દેશમુખ નામના વ્યક્તિનો ફોન આવેલ અને તેઓએ ફરી ડિજિટલ સિગ્નેચર અને ફોટોની માંગણી કરી હતી. અને બીજું પેમેન્ટ કરવું પડશે નહીં તો તમારે કોર્ટમાં હાજર થવું પડશે. અને જો કોર્ટમાં હાજર નહીં થાવ તો તમારા પર 420 નો કેસ લાગશે. હવે તમારે કેસ વિડ્રો કરવા માટે રૂપિયા 46,720 ભરવા પડશે તેમ જણાવતા ફરિયાદીએ આ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.ફરિયાદીને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કેસ વીડ્રો થઈ ગયેલ છે તે બાબતે એક મેઈલ આવશે પરંતુ કોઈ મેઈલ આવ્યો ન હતો. થોડીવાર બાદ ફરીથી એસ.બી દેશમુખનો કોલ આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે કેશ વીડ્રો કરવા માટે તમે પેમેન્ટ ભરેલ છે તે એક લાખ ઉપર થઈ ગયેલ છે. જેથી તમારે જીએસટી ભરવી પડશે અને રૂપિયા 18,890 ભરવાનું જણાવતા તે રૂપિયા યુપીઆઈ મારફતે બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં કેસ વીડ્રો માટેનો એક ઇમેલ આવ્યો હતો. જે વાંચતા જ ફરિયાદીને તેમની સાથે ફ્રોડ થયું હોવાનું આશંકા ગઈ હતી. જે બાબતે તેઓએ તેમના પતિને જણાવતા સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ દ્વારા મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...