છેતરપિંડી:હોન્ડા કંપનીમાં નોકરીની લાલચ આપી ઠગનારો ગઠિયો ઝડપાયો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ગઠિયાએ વ્યક્તિદીઠ રૂ. 60 હજાર પડાવ્યા હતા

વિઠલાપુરસ્થિત હોન્ડા મોટર સાઇકલ એન્ડ સ્કૂટર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવનારા પાટણના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે.

કંપનીના આસિસ્ટન્ટ મૅનેજર વિરમભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ 12 નવેમ્બરે વિરમગામ એસડીએમ કચેરીના કર્મચારીએ વોટ્સએપ પર તેમના પરિચિત યુવાનના હોન્ડા કંપનીના આઇકાર્ડનો ફોટો મોકલ્યો હતો અને તેની નોકરીએ જોડાવાની તારીખ વિશે પૃચ્છા કરી હતી. ચૌધરીએ તપાસ કરતાં આઇ કાર્ડ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં 16 નવેમ્બરે કંપનીના લીગલ કમ્પ્લાયન્સ મૌલિક રાવલને સીતાપુરના દર્શન અલ્કેશભાઈ દસાડિયાએ ફોન કર્યો હતો. દસાડિયાએ ફોનમાં કહ્યું હતું કે વર્ષ 2019-20માં 3 મહિના માટે એપ્રેન્ટિસ તરીકે હોન્ડા કંપનીમાં નોકરી કરતા પાટણના ચિંતનકુમાર પ્રહ્લાદભાઈ વ્યાસ (રહે. નવરંગ સોસાયટી, હાંસાપુરા રોડ)એ તેમને કંપનીમાં નોકરી અપાવવાની વાત કરી હતી અને વ્યક્તિદીઠ રૂ. 60 હજારની માગણી કરી હતી.

આથી તેમણે તથા તેમના કેટલાક મિત્રોએ ચિંતનને રૂપિયા આપ્યા હતા. બાદમાં 2 મહિના પછી 20 ઑક્ટોબરે ચિંતને તમામને માંડલસ્થિત કંપનીનો એપોઇન્ટમેન્ટ લેટર, આઇકાર્ડ તથા યુનિફોર્મ આપ્યા હતા. ત્યાર પછી 16 નવેમ્બરે ચિંતન તમામને હોન્ડા કંપની લઈ ગયો હતો અને બધાને બહાર ઊભા રાખી પોતે એપોઇન્ટમેન્ટ લેવા ગયો હતો. થોડી વાર પછી સાહેબ મીટિંગમાં હોવાથી પછીથી લેટર અપાવી દઈશ, તેમ કહ્યું હતું. હોન્ડા કંપનીનો ખોટો લેટરપેડ આપી ખોટી નિમણૂક પત્ર આપી યુવાનોને છેતરતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. હવે આરોપીની પૂછપરછ દરમિયાન કેટલા યુવકો પાસેથી તેણે કેટલા નાણાં ઉઘરાવી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે વાતનો પોલીસ પર્દાફાશ કરશે. હાલમાં પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...