નિકોલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચોરી, લૂંટ અને ધાડ જેવી ઘટનાઓને અંજામ આપનાર એક ગેંગને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મહત્વનું છે કે, આ ગેંગમાં કુલ છ લોકો છે જેમાં બે કિશોર પણ સામેલ છે. તો બીજી તરફ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દારૂના કેસમાં એક્ટિવા જમા નહીં કરવા તથા આરોપીને અને અન્ય માણસને જવા દઈને નામ નહીં બતાવવા 65000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. એસજી હાઇવે ઉપર લાંચ લેતા જયદીપસિંહ પઢેરીયા નામના હેડ કોન્સ્ટેબલને એસીબીએ ઝડપી લીધો હતો.
10થી વધુ ગુનાઓને અંજામ આપ્યા
નિકોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના આરોપીઓ નીકળવાના હોવાની બાતમીને આધારે પોલીસે તમામ લોકોને પકડીને વધુ પૂછપરછ શરૂ કરી હતી. આ સાથે જ આરોપીઓએ એક ગુનાઓની કબુલાત પણ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ ગુનાઓનો મુદ્દામાલ પણ કબજે કર્યા છે. મોટાભાગના આરોપીઓ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ નરોડા, નિકોલ, ડભોડા,ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10થી વધુ ગુનાઓને અંજામ આપ્યા છે. જેમાં લુંટ, ચોરી અને ધાડ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે અર્જુન રાઠોડ, સંજુ ગોહેલ, સૂરજ વિશ્વકર્મા, અનિકેત દિવાકર અને તેમની સાથે અન્ય 2 કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ તમામ આરોપીઓ સામે આગાઉ પણ અનેક ગુનાઓ નોધાઇ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધા કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
ઘાટલોડિયાના હેડ કોન્સ્ટેબલે લાંચ માંગી
ફરીયાદીના બે એક્ટીવા દારુનાં કેસમાં જમા નહીં લેવા, દારુનાં કેસમાં ફરીયાદીના ભાઇ તથા એક માણસને જવા દેવા અને ફરીયાદીનું નામ નહીં બતાવવા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરીયાદી પાસેથી 65000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદીએ લાંચની રકમ આપવા માંગતા નહોતા જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના 65000 રોકડા રિલાયન્સ મોલની આગળ એસ.જી.હાઇવે પર જાહેરમાં લેતા રંગે હાથે એસીબીએ ઝડપી લીધા હતા. આરોપીની ધરપકડ કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.