અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરીઅે યુ-20 (અર્બન-20) સમિટ યોજાશે. જે અંગેની રિવ્યૂ બેઠક મ્યુનિ. કમિશનર થેન્નારસના અધ્યક્ષસ્થાને બુધવારે યોજાઈ હતી. સૂત્રોના કહેવા મુજબ આ સમિટની ઓપનિંગ સેરેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધનથી કરશે. આ સમિટ અંતર્ગત આવનારા ડેલિગેટ્સ 9 ફેબ્રુઆરીએ સવારે અડાલજ જશે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. ગાલા ડિનર પર રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 10 ફેબ્રુઆરીએ કાંકરિયાની મુલાકાત લેશે.
આ દિવસે પણ ડિનરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અન્ય એક પ્લાન મુજબ હેરિટેજ વોક કરાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. સમિટને પગલે શહેરના મોટાભાગના રોડની કાયાપલટ કરાશે.ઉલ્લેખનીય છે કે, ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે તે જી-20નું અધ્યક્ષપદ ભારતને પ્રાપ્ત થયું છે. ત્યારે આ લીડરશિપ સમિટના ભાગરૂપે અર્બન-20ની બેઠક અમદાવાદમાં યોજાનાર છે.
યુ-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે, જેમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની જવાબદારી, પાણીનું સુરક્ષા ક્વચ, ક્લાઈમેન્ટ ફાઈનાન્સ, સ્થાનિક ઓળખને અગ્રતા સહિતના મુદ્દે નક્કર નિર્ણયો પણ આ બેઠકમાં લેવામાં આવશે. અત્યાર સુધી અર્બન-20ની 5 સમિટ અલગ અલગ દેશોમાં યોજાઈ છે. અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. છેલ્લે યુ-20 સમિટ 2022માં ઈન્ડોનેશિયાના જકાર્તામાં જ્યારે 2021માં ઈટાલીના રોમમાં યોજાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.