અમદાવાદમાં વધુ એક આગ:મોડી રાતે અચાનક ફેક્ટરીમાં ચમકારો જોયો, આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભડકો થતાં અમે ભાગ્યા, સૈજપુરમાં આગ દુર્ઘટનાને નજરે જોનારો કારીગર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ 40 ફાયરની ગાડીની મદદથી કાબૂમાં લેવાઈ, 3 ફાયર જવાન ઈજાગ્રસ્ત
  • રાત્રે જો ફાયરને સમયસર જાણ ન થઈ હોત તો ઘણું નુકસાન થાત, મારી બાઇક આગમાં બળી ગઈ
  • કેમિકલનાં બેરલ ભરેલાં હોવાથી ભીષણ આગ લાગી હોવાનું બહાર આવ્યું છે

ગઈકાલે મોડી રાત્રે વધુ એક આગનો બનાવ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બન્યો હતો. સૈજપુર આગળ આવેલી એક ઇન્ક બનાવતી કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. એમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. એમાં 40 ફાયરની ગાડીએ ઘટના સ્થળે જઈને આગ બુઝાવી હતી. આ દરમિયાન ઓઢવ ફાયર સ્ટેશનમાં 3 ફાયરના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે તેમને હોસ્પિટલમાં સમયસર સારવાર મળવાથી આજે રજા આપવામાં આવી છે. આ ફેકટરીમાં 2 ઓરડીમાં કારીગરો રહે છે, તેઓ કાલે ફેકટરીમાં જ હતા. જોકે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેમણે ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો અને તેઓ ફેકટરીની બહાર નીકળી ગયા હતા.

દુર્ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ.
દુર્ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ.

આ ફેકટરીમાં રહેતા એક કારીગરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે તેઓ સૂતા હતા ત્યારે તેને લાગ્યું કે ફેકટરીમાં કઈ ચમકારો થયો, તેથી મેં ત્યાં જઈને જોયું તો સામાન્ય આગ લાગી હતી. ત્યાર બાદ મેં અન્ય કારીગરોને ઉઠાડ્યા અને અમે ફાયર એક્સટિંગ્વિસર વડે આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અચાનક ભડકો થતાં મેં પહેલાં મારા પરિવાર અને અન્ય કારીગરને બહાર મોકલી દીધા હતા અને ફેકટરીના માલિકને જાણ કરી હતી. ત્યાર બાદ તેમણે ફાયરબ્રિગેડને બોલાવી હતી. જોકે આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આગના ગોટેગોટા નીકળતા હતા. ફાયરની ઘણી ગાડીઓએ ભારે જહેમત બાદ આ આગ બુઝાવી હતી. અમારી જોડે 14 ફાયર એક્સટિંગ્વિસર હતા, પણ આ આગને બુજાવવા માટે કાંઈ થયું નહીં. મારી બાઇક અંદર બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ તો અંદર જવાય એમ નથી, જેથી નુકસાનનો અંદાજો ન લગાવી શકાય. કોઈ જાનહાનિ ના થાય એ જ મોટી વાત છે.

સફળતાપૂર્વકની કામગીરીને પરિણામે આજુબાજુની મિલકતોને નુકસાન થતું અટકાવી શકાયું હતું.
સફળતાપૂર્વકની કામગીરીને પરિણામે આજુબાજુની મિલકતોને નુકસાન થતું અટકાવી શકાયું હતું.

આગમાં ઈજાગ્રસ્ત થયેલા 3 કર્મીને હોસ્પિટલ ખસેડાયા
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીઝના ઓઢવ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા 3 ફાયરમેન-કર્મચારી આગથી હાથ તથા મોઢાના ભાગે વત્તાઓછા પ્રમાણમાં દાઝી જતાં તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. તેમને સારવાર આપી રજા આપવામાં આવી છે. આકસ્મિક લાગેલી આ ભીષણ આગને કારણે ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલાં રો-મટીરિયલ, મશીનરી, પાકો તૈયાર માલ, ઈલેક્ટ્રિક વાયરિંગ અને બિલ્ડિંગની ઈમારતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ફાયર સુવિધાના અભાવને કારણે આગની ઘટનાઓ વધી
શહેરમાં આગના બનાવ અવારનવાર બનતા હોય છે, જેમાં છેલ્લા ઘણા સમયથી આવી અનેક ઘટનાઓ શહેરમાં સામે આવી છે, જેમાં કેટલીક જગ્યાએ અપૂરતી ફાયરની સુવિધા અને વેન્ટિલેશનના અભાવને કારણે આગ લાગતી હોય છે. હાલ હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઈને દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી થઈ રહી છે, જેમાં કોર્ટે પણ સરકારને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે.

100થી વધુ કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી
ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની આગેવાની અને સીધી સૂચના સાથે તેમના મદદનીશ અધિકારીઓ, 100થી વધુ કર્મચારીઓ અને ફાયર ફાઇટર, વોટર ટેન્કર, વોટર બાઉઝર, રોબોટ મળી 30 જેટલાં વાહનોની મદદથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ આગ દરમિયાન આજુબાજુની અન્ય મિલકતોને નુકસાન થાય નહિ એની તકેદારી રાખી ફેક્ટરીની આગળ-પાછળ વ્યૂહાત્મક રીતે સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી. આ જોખમી, અસરકારક અને સફળતાપૂર્વકની કામગીરીને પરિણામે આજુબાજુની મિલકતોને વધુ નુકસાન થતું અટકાવી શકાયું હતું.

પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ગોધાવી ગામ પાસે ગોડાઉનમાં આગ
ત્રણ દિવસ પહેલાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ગોધાવી ગામમાં બાપા સીતારામ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં આવી હતી. ફાયરબ્રિગેડની 20 ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગમાં ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો, જેને પગલે 5 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

અમદાવાદમાં વર્ષ 2020-21માં આગની 1600 ઘટના
અમદાવાદમાં વર્ષ 2020-2021 દરમિયાન આગના અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા. આગના વિવિધ બનાવોમાં એક અબજ આઠ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. ફાયરને રેસ્ક્યૂ માટેના મળેલા કૉલ દરમિયાન 98 લોકોનાં મોત થયાં હોવાની ફાયરબ્રિગેડનાં ચોપડે નોંધ કરવામાં આવી છે.

એક વર્ષમાં આગથી 108 કરોડનું નુકસાન
અમદાવાદ શહેરમાં એક અબજ 8 કરોડ 63 લાખ રૂપિયાનું આગ, પાણી અને ધુમાડાથી નુકસાન થયું છે. વર્ષ દરમિયાન આગથી બચાવવામાં આવેલા માલની કિંમત રૂપિયા બે અબજ, 40 કરોડ, 15 લાખ, 9 હજાર અને 900 રૂપિયા થયું છે. આગ, પાણી, ધુમાડાથી થનારું નુકસાન અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ દ્વારા થતું અટકાવવામાં આવ્યું છે, જેમાં ફાયરબ્રિગેડ દ્વારા અબજો રૂપિયાની મિલકત બચાવી લેવામાં આવી હોવાનં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...