કોઈપણ વ્યક્તિ જન્મ દિવસની ઉજવણી પાર્ટી કે ડાન્સ પાર્ટી આપીને કરતા હોય છે. પરંતુ અમદાવાદના એક પરિવારે દીકરીનો જન્મ દિવસ ખુબ જ અનોખી રીતે ઉજવ્યો છે. પરિવારે પોતાની દીકરીનો જન્મ દિવસ ઉજવવા અલગ અલગ જ્ઞાતિની 25 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા.
જન્મ દિવસની ઉજવણીનું પ્લાનિંગ એક વર્ષ અગાઉથી કર્યું
કોઈપણ દીકરીના પિતા માટે તેના જીવનમાં કન્યાદાન કરવું એ તેના જીવનની શ્રેષ્ઠ પળ હોય છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને સોનાની દુકાન ધરાવતા ગીરીશ સોની અને ભાવિક સોનીએ પરિવારની દીકરી ચાર્વી સોનીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું. દીકરીનો જન્મ દિવસની ઉજવણી યાદગાર રહી જાય અને સાથે સાથે એવી કેટલીય દિકરીઓના પરિવારના આશીર્વાદ દીકરી ચાર્વીને મળે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું. આ સોની પરિવારમાં 11 ડિસેમ્બર 2022ના રોજ ચાર્વીનો જન્મ દિવસ હતો. જોકે, પરિવાર દ્વારા દીકરીના જન્મ દિવસની ઉજવણીનું પ્લાનિંગ એક વર્ષ અગાઉથી જ કરી દીધું હતું જેમાં સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું કરવાનું નક્કી કર્યું હતું.
25 દીકરીઓના સમુહ લગ્ન આ પરિવારે કરાવ્યા
આ સમુહ લગ્નમાં એવી દીકરીઓના પરિવારોની પસંદગી કરવામાં આવી હતી. જે આર્થિક રીતે અશક્ત હોય અને આવી 25 દીકરીઓના સમુહ લગ્ન આ પરિવારે કરાવ્યા છે. આ સોની પરિવારની સાથે આ શુભ કાર્યમાં પાંડે પરિવાર પણ જોડાયો હતો. ગીરીશ સોનીની સાથે મંગેશ રામુજી પાંડેએ પણ આ સામાજિક કાર્યમાં જોડાયા હતા.
દીકરીઓનું કન્યાદાન કરવાનું કામ માથે ઉપાડ્યું
આ અંગે ગીરીશ સોનીએ જણાવ્યું હતું કે, હાલની મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો દીકરીનો પ્રસંગ કેવી રીતે પાર પાડે તે વિચારવું જ અઘરુ થઈ ગયું છે. તેવામાં અમે સમાજમાં ગરીબ પરિવારની દીકરીઓનું કન્યાદાન કરવાનું કામ માથે ઉપાડ્યું હતું. એક વર્ષ અગાઉથી આ સમુહ લગ્ન માટે રજીસ્ટ્રેશન શરુ કર્યું હતું. એક સાથે 25 દીકરીઓના સમુહ લગ્ન જેમાં આ પરિવાર પાસેથી કોઈ પણ ખર્ચ લીધા વગર તેમનો પ્રસંગ પાર પાડવાનો હતો.
વર કન્યાએ ચોરીએ ચડતા પહેલા બ્લડ ડોનેશન કર્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમુહ લગ્ન માટે લગ્નના મંડપથી માંડીને 25 ચોરીઓ, જમણવાર, ડી.જે. તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલુ જ નહિ આ આખોય પ્રસંગ પાર પાડવા માટે લગ્ન સ્થળની વ્યવસ્થા પણ આ વેપારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ સર્વજ્ઞાતિ સમુહ લગ્નની સાથે વધુ એક આયોજન બ્લડ ડોનેશનનું કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન કરનાર દરેક વર કન્યાએ ચોરીએ ચડતા પહેલા બ્લડ ડોનેશન કર્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.