સરદારનગર છારાનગરમાં લાંબા સમયથી ધમધમતી દેશી દારૂ બનાવવાની ફેકટરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડી પાડી હતી. ફેકટરીમાંથી દારૂ બનાવવા માટે વપરાતા 30 પીપડા, 35 ગેસ સિલિન્ડર,10,250 લિટર દારૂ ગાળવાનો વોશ તેમજ 203 લિટર દેશી દારૂ મળીને રૂ.95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ફેકટરીમાંથી રોજને 1 લાખ લિટર દેશી દારૂ બનાવીને નાના - નાના બુટલેગરોને વેચવામાં આવતો હતો.
આ દરોડામાં સ્થળ પરથી પોલીસે નવનીત ગારંગે, અજયકુમાર મહાવીરસિંહ કથીરિયા, પંકજકુમાર રામશરણ કથીરિયા અને કંચનબહેન અરવિંદભાઈ ઈન્દ્રેકરને ઝડપી લીધા હતા. જ્યારે શોભનાબહેન મુનીરભાઈ ગાંગડેકર, સુમિત્રા ઉર્ફે મહેશ ગાંગડેકર તેમજ 2 નોકર રાજેશભાઈ અને રમેશભાઈ નાસતા ફરતા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આ દારૂની ફેકટરી નવનીત અને શોભનાબહેન ચલાવતા હતા. તે બંને પોલીસને મહિને રૂ.15 લાખના હપ્તા ચૂકવતા હોવાનું બહાર આવતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સરદારનગર PIને સસ્પેન્ડ કરાશે?
સરદારનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે વી.આર.ચૌધરી ને મુકવામાં આવ્યા છે. જો કે સરદારનગર વિસ્તારમાં એટલી મોટી સંખ્યામાં દારૂ-જુગારના ધંધા ચાલે છે કે પૈસાની ઉઘરાણી કરવા માટે પીઆઈ ચૌધરીએ 6 વહીવટદાર રાખ્યા છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં એ વાત પણ બહાર આવી છે કે સરદારનગર પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂની ફેકટરી ચાલતી હતી. જેથી ડીજીપી દ્વારા પીઆઈ ચૌધરી અને તેમના વહીવટદારોને સસ્પેન્ડ કરવામાં આવશે.3
પોલીસને બચાવવા નવનીતે ફોન છુપાવી દીધો
પોલીસે રેડ પાડી ત્યારે નવનીત ફેકટરીમાં જ હાજર હતો. જો કે પોલીસને જોઈને નવનીતે તેનો ફોન ક્યાંય દૂર ફેંકી દીધો હતો અથવા તો પછી ભઠ્ઠીમાં નાખીને નાશ કરી દીધો હતો. જો નવનીતનો ફોન મળી આવ્યો હોત તો તેની પાસેથી કયા કયા પોલીસ કર્મચારીઓ પૈસા લેવા આવતા હતા તે સરળતાથી જાણી શકાત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.