અકસ્માત:અમદાવાદના ઓઢવમાં ગાય આડી આવતા ટેમ્પો પલટી જવાથી ચાલકનું મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાય બચાવવા જતાં બ્રેક મારતાં અકસ્માત સર્જાયો
  • 20 દિવસની સારવાર બાદ યુવાનનું મોત નીપજ્યું

ઓઢવમાં ગાયના કારણે શ્રમજીવી ટેમ્પોચાલકનું મોત નિપજ્યું છે. ટેમ્પોચાલક ટેમ્પો લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ગાય આડી આવતાં તેને બચાવવા જતાં ચાલકે એકાએક ટેમ્પાને બ્રેક મારતાં ટેમ્પો પલટી ખાતાં ચાલકનું મોત નિપજ્યું હતું.

સિંગરવા વડવાળી ચાલીમાં રહેતા મહેશભાઈ ધનાભાઈ પટણી (ઉ.વ.30) ટેમ્પાની છૂટક ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 19 નવેમ્બરે બપોરે 2 વાગે મહેશભાઈ ઓઢવ નવરંગસ્કૂલ વૃંદાવન સોસાયટી પાસેથી ટેમ્પો લઈને જઈ રહ્યા હતા. જ્યારે એકાએક સામે ગાય આવી જતાં તેને બચાવવા માટે મહેશભાઈએ બ્રેક મારી હતી. જેથી ટેમ્પાનું એક વ્હિલ ખાડામાં પડતાં ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મહેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

20 દિવસની સારવાર બાદ ગુરુવારે રાત્રે 11.15 વાગ્યે મહેશભાઈનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને અકસ્માત મોત અંગે ગુનો નોંધી મહેશભાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી થતાં શુક્રવારે સવારે મહેશભાઈનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, રસ્તા ઉપર રખડતી ગાય સહિતના ઢોરના કારણે અવારનવાર અકસ્માતો થાય છે જેમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે આ ઢોરોને રસ્તા ઉપર રખડતાં નહીં છોડીને પાંજરાપોળમાં રાખવા ગુજરાત હાઇકોર્ટે પણ આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...