ડોક્ટરના કારસાની પોલ ખૂલી:જુગારમાં લાખો હારી ગયેલા ડોક્ટરે દેવું ચૂકવવાથી બચવા અપહરણનું તરકટ રચ્યું

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખોખરાના ડોક્ટરે કબૂલાત કરી

ખોખરામાં રહેતા એક ડોક્ટરનું અપહરણ કરી લાખો રૂપિયા માગવાની ઘટના નોંધાઈ હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચ અને ખોખરા પોલીસની સંયુકત ટીમે આ મામલે કાર્યવાહી કરતા ડોક્ટરે ઓનલાઈન ગેમ્બલિંગમાં દેવું થઈ જતાં જાતે જ પોતાનું અપહરણ થયાનું તરકટ રચ્યંુ હતું.

ખોખરામાં રહેતા અને ત્યાં જ ક્લિનિક ધરાવતા ડો. સંકેત શાહ બુધવારે બપોરે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે તેમનું અપહરણ થયુ છે અને અપહરણકારો તેમને છોડવા માટે પૈસાની માગે છે. ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો. ડોક્ટરના પિતાએ ખોખરા પોલીસને ફરિયાદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચને પણ આ ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ સાથે અપહૃત ડોકટરને શોધવાની કવાયત હાથ ધરી હતી.

પોલીસે ટેકનિકલ એનાલિસિસનો સહારો લઈને ડોક્ટર સંકેત શાહને ટ્રેસ કરી લીધા હતા. એસીપી એન.એલ. દેસાઈએ જણાવ્યું કે, ડો. શાહે ઓનલાઈન ગેમ્બલિંગમાં પૈસા હારી જતા તેમના પર દેવું થઈ ગયું હોઈ તેનાથી બચવા માટે તેમણે જાતે પોતાનું અપહરણ થયું હોવાનંુ તરકટ રચ્યું હોવાનુ પોલીસને જાણવા મળ્યું હતું. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...