કિડનીના કેન્સરથી પીડાતી જૂનાગઢની મહિલાને ત્રણથી વધુ ડોક્ટરોએ કિડની કાઢવી પડશે તેમ કહ્યું હતું, પરંતુ શહેરની ખાનગી હોસ્પિટલના તબીબે અઢી કલાકની રોબોટિક સર્જરીથી કિડનીની કેન્સરની ગાંઠ દૂર કરવાની સાથે કિડની કાઢવાને બદલે 70 ટકા ભાગ બચાવી લીધો છે.
યુરોલોજિસ્ટ ડો. કમલેશ પટેલે કહ્યું કે, જૂનાગઢની 51 વર્ષીય મેદસ્વી મહિલાને પેટમાં દુખાવો થતા ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી હતી, જેમાં કિડનીમાં 7 સેમીની ગાંઠનું નિદાન થતાં ત્રણથી વધુ ડોક્ટરોએ કિડની કાઢવી પડશે અને મહિલાનું વજન 90-95 કિલો આસપાસ હોવાથી દૂરબીન (લેપ્રોસ્કોપી)થી સર્જરી શક્ય નથી કહ્યું હતું. મહિલા દર્દીને તપાસ્યા પછી વિવિધ ટેસ્ટ અને સ્ટડી કરાયા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલેના તબીબે અઢી કલાકની રોબોટિક સર્જરી કરી મહિલાની કિડનીમાંથી કેન્સરગ્રસ્ત ગાંઠ દૂર કરીને 70 ટકા કિડની બચાવી છે.
શું છે આ સર્જરી
રોબોટિક અસિસ્ટેડ ‘નેફ્રોન્સ સ્પેરિંગ’ સર્જરીમાં થ્રીડી વિઝન, 10 ટાઇમ મેગ્નિફિકેશન અને 360 ડિગ્રી સુધી હાથ ફરી શકે છે, જેથી નાની નસ પણ સારી રીતે જોઈ સર્જરી બાદ કિડનીના ટાંકા સારી રીતે લઇ શકાય છે. શરીરના અંદરના ભાગમાં રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ સરળતાથી પહોંચે છે, જેને લીધે એનેસ્થેશિયાનો સમય ઓછો, ઝડપી સર્જરીથી અંગ બચાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.