મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. ચિરાગ શાહને સાથી મહિલા કર્મચારીની છેડતીના આરોપ બદલ અગાઉ સસ્પેન્ડ કરાયા હતા. ડો. ચિરાગ શાહ સામેનો આ આરોપ બે જુદા જુદા મંચ પર પૂરવાર પણ થયો હતો. આમ છતાં તેમને હવે નોકરીમાં પાછા લેવા મ્યુનિ. ભાજપના નેતાઓએ નિર્ણય કર્યો છે. આટલા ગંભીર આરોપ છતાં ડો. ચિરાગ શાહના 3 ઈન્ક્રિમેન્ટ કાયમી ધોરણે રોકી રાખીને તેમની અપીલ મંજૂર કરાઈ છે.
અમદાવાદ મ્યુનિ.માં ડે. હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. ચિરાગ શાહ દ્વારા અમદાવાદ મ્યુનિ.માં હેલ્થ અધિકારી તરીકે તેમજ આંધ્રપ્રદેશની એક મેડિકલ કોલેજમાં આસી. પ્રોફેસર તરીકે બંને જગ્યાએથી પગાર મેળવવામાં કસૂરવાર સાબિત થયા હતા. જે અંગેનો અહેવાલ કમિશનર મારફતે અપીલ સબ કમિટીમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમ્યાન તેમની સામે તેમના સાથી મહિલા તબીબ દ્વારા છેડતી સહિતની ગંભીર ફરિયાદો કરી હતી. મ્યુનિ.માં તેમની ફરિયાદ ન સાંભળવામાં આવતા તેમની ફરિયાદ મહિલા આયોગમાં કરાઇ હતી. જ્યાં મહિલાની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ મ્યુનિ. દ્વારા નિવૃત્ત જજ મારફતે તપાસ કરાવી હતી.
જોકે તેમાં પણ મહિલા તરફેણમાં ચુકાદો આવ્યો હતો. આવા ગંભીર આક્ષેપોનો સામનો કરતાં ડો. ચિરાગ શાહને 2018માં તેમને પગાર ધોરણોમાં શરૂઆતના તબક્કે ઉતારવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ ડો. ચિરાગ શાહે હાઇકોર્ટમાં પહોંચી તેમની સામેના કેસમાં 3 મહિનામાં યોગ્ય નિર્ણય લેવા માટે આદેશ મેળવ્યો હતો. જે બાદ મ્યુનિ. અપીલ સબ કમિટીમાં રજૂ કરાયા બાદ સમગ્ર મામલે ભાજપના સત્તાધિશો દ્વારા ડો. ચિરાગ શાહને માત્ર 3 ઇન્ક્રિમેન્ટ કાયમી ધોરણે રોકીને તેમને અપીલ મંજુર કરી દેવામાં આવી છે. દારૂ પી પોલીસ તરીકે ઓળખ આપવાના કેસમાં પકડાયેલા મ્યુનિ.ના કર્મચારી અરવિંદ સિસોદીયાને મ્યુનિ. દ્વારા 3 ઇન્ક્રિમેન્ટ કાયમી ધોરણે રદ કરી પરત લેવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.