કાર્યવાહી:છેડતી અને વાહનચોરીના 15 ગુનામાં સંડોવાયેલો તડીપાર વિદ્યાર્થી ઝડપાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી ગોપાલ મહિડાની તસવીર - Divya Bhaskar
આરોપી ગોપાલ મહિડાની તસવીર
  • 2 મહિનામાં યુનિવર્સિટી, વાડજ અને ચાંદખેડામાંથી 3 બાઈકની ચોરી કરી હતી
  • બીકોમના છઠ્ઠા સેમમાં ભણતા વિદ્યાર્થી સામે અન્ય શહેરોમાં પણ ગુના નોંધાયા છે

ગુજરાત યુનિવર્સિટી, વાડજ અને ચાંદખેડામાંથી 2 મહિનામાં 3 બાઈકની ચોરી કરનાર ગોપાલ મહિડા નામના વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી હતી. ગોપાલ મહિડા છેડતી, ધમકી, મારા મારી, વાહન ચોરીના 1 ડઝન ગુના નોંધાયા હતા. જેના કારણે તેને અમદાવાદમાંથી તડીપાર કરાયો હતો. ગોપાલ મહિડા જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો સાથે સંકળાયેલો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતુ.

2 મહિનામાં ગુજરાત યુનિવર્સિટી, વાડજ અને ચાંદખેડા વિસ્તારમાંથી 3 બાઈકની ચોરી થઇ હતી. પોલીસે તે ત્રણેય ઘટનાના સીસીટીવી ચેક કરતા તેમાં એક જ ચોર હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે તેના ફોટાના આધારે પોલીસે તપાસ કરતા બાઈક ચોર ગોપાલભાઈ પીઠાભાઈ મહિડા(28) હોવાનું જાણવા મળ્યું હતુ. જેના આધારે ઝોન - 1 એલસીબી પીએસઆઈ કે.એલ.ખટાણા અને હેડ કોન્સ્ટેબલ મુકેશગીરી એ ગોપાલને ઝડપી લીધો હતો. ગોપાલ પાસેથી ચોરી કરેલા ત્રણેય બાઈક પોલીસે કબજે કર્યા હતા. તેની સામે રાજકોટ, ભરુચ, કાગડાપીઠ, વાડજ, હારીજ, ગુજરાત યુનિવર્સિટી, પાલડી સહિતના વિસ્તારમાં છેડતી, વાહન ચોરી, ધમકી, મારા મારી સહિતના ગુના નોંધાયેલા છે. પીઆઈ કે.એલ.ખટાણાએ જણાવ્યું કે ગોપાલ મહિડા અમરેલીનો રહેવાસી છે. જ્યારે તે હાલમાં બીકોમમાં છઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે.

જ્યારે ગોપાલ 2018 થી 2020 સુધીમાં જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો સાથે સંકળાયેલો હોવાનું તે પોલીસને જણાવી રહ્યો છે. જ્યારે વિદ્યાર્થી સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતુ કે ગોપાલ મહિડા નામનો કોઇ પણ હોદ્દેદાર, આગેવાન કે કાર્યકર તેમના સંગઠનમાં સક્રિય ન હતો.

અન્ય સમાચારો પણ છે...