હાઈકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી:મતદાનના એક દિવસ અગાઉ વકીલ ઉમેદવારોએ લગાવ્યું એડીચોટીનું જોર, કેન્ટીનમાં જમ્યો 'ચાય પે પ્રચાર'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં 10 કમિટી સભ્યો સહિત કુલ 15 પદ માટે ચૂંટણી યોજાશે

ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશનની ચૂંટણીના આગલા દિવસે વકીલ ઉમેદવારોએ હાઈકોર્ટ કેમ્પસમાં ભરપૂર ચૂંટણી પ્રચાર કર્યો. શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશનની પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચીની ચૂંટણી યોજાવાની છે. જેના એક દિવસ પહેલા ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી હાઈકોર્ટ કેમ્પસમાં વકીલોનો પ્રત્યક્ષ સંપર્ક કરી પ્રચાર કર્યો હતો.

ચૂંટણીમાં 51 ઉમેદવારો મેદાનમાં
શુક્રવારે સવારે પ્રમુખ, ઉપ પ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચીની મહત્વની બેઠકો ઉપરાંત 10 કમિટી સભ્યો સહિત કુલ 15 પદ માટે ચૂંટણી યોજાવાની છે. જે માટે કુલ 51 ઉમેદવાર મેદાનમાં છે. ચૂંટણી પહેલાનો દિવસ વકીલ ઉમેદવારો માટે મહત્વનો હતો. જેથી કોર્ટ પરિસરના વચ્ચેનો ભાગ કે જે માણેકચોક તરીકે ઓળખાય છે, ત્યાં ઉમેદવાર વકીલોએ એક કોર્ટથી બીજી કોર્ટમાં આવતાં-જતાં વકીલો સાથે મળીને મત આપવા માટે અપીલ કરી. ખાસ યુવા વકીલો કે જેઓ કમિટીના સભ્યની ચૂંટણી માટે લડી રહ્યા છે, તેમનામાં ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો. સાથે જ એડવોકેટ કેન્ટીનમાં દિવસ દરમિયાન વકીલોમાં ચૂંટણીનો મુદ્દો ચર્ચામાં રહ્યો વકીલો 'ચાય પે પ્રચાર' કરતા જોવા મળ્યા.

પ્રમુખ બનવા 3 ઉમેદવારો વચ્ચે જંગ
સૌથી મોટી વાત એ છે કે આ વખતે પહેલીવાર કમિટીની બેઠક માટે સૌથી વધારે 32 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 3 તથા સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર, જોઇન્ટ સેક્રેટરીના પદ માટે 4 ઉમેદવાર તથા ખજાનચીના પદ માટે 6 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. પ્રમુખ પદ માટે અસીમ પંડ્યા, બ્રીજેશ ત્રિવેદી અને ચિત્રજીત ઉપાધ્યાય મેદાનમાં છે. જ્યારે ઉપપ્રમુખના પદ માટે પૃથ્વીસિંહ જાડેજા, દિપક જોશી, બ્રિજેશ રાજકિશોર, સેક્રેટરી પદ માટે હાર્દિક બ્રહ્મભટ્ટ, પુનિત જુનેજા, ગૌરાંગ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે જોઈન્ટ સેક્રેટરી પદ માટે જમશેદ દસ્તુર, સાવન પંડ્યા, હાર્દિક રાવલ, અલ્કા વાણીયા દાવેદારી નોંધાવી છે. આ સિવાય ખજાનચીના પદ માટે ભાટિયા વિલવ, દર્શન દવે, આકાશ પંડયા, કિશોર પ્રજાપતિ, પ્રીતેશ શાહ અને ફાલ્ગુની ત્રિવેદી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

1700 જેટલા એડવોકેટ મતદાન કરશે
ચાલુ વર્ષે હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશનની ચૂંટણીમાં કુલ 1700 જેટલા એડવોકેટ મતદાન કરવાના છે. હાલ વર્તમાન કોવિડની પરિસ્થિતિને જોતા હાઇકોર્ટ કેમ્પસ સ્થિત એડવોકેટ બાર રૂમમાં મતદાન યોજાશે. જેથી કોવિડની ગાઇડલાઈનનું યોગ્ય રીતે પાલન થઈ શકે. ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સાંજે જ મતદાન ગણતરીની કાર્યવાહી હાથ ધરાશે.