દારૂની રેડમાં કોલ સેન્ટર ઝડપાયું:USની બેંકનો કર્મચારી બનીને ઘરમાંથી લોન આપતો ઠગ પકડાયો, ઘેરબેઠાં કેટલાય અમેરિકનને ચૂનો લગાવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણી વખત બગાસું ખાતા પતાસુ હાથમાં આવી જતું હોવાના અનેક કિસ્સા પોલીસ વિભાગમાં સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો વાડજ પોલીસ સાથે થયો છે. દારૂની રેડ કરવા જતાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. જેમાં આરોપી યુ એસ બેંકનો કર્મચારી બનીને લોન આપવાના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીએ બીએસસી અને આઈટી કરેલું છે
બોગસ કોલ સેન્ટર ચલાવનાર આરોપીનું નામ હર્ષિલ શાહ છે. તેણે બીએસસી અને આઈટીનો અભ્યાસ કર્યો છે. તે અમેરીકન નાગરિકોને પોતાના ઘરમાં બેસીને ચૂનો લગાવતો હતો. તેણે પોતાના જ ઘરમાં કોલ સેન્ટર શરૂ કર્યુ હતું. વાડજમા આવેલા સિમંધર સ્ટેટસ ફ્લેટમાં તે અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપીને તેમની પાસેથી ડોલર પડાવતો હતો.

દારૂની બોટલ સહિત મુદ્દામાલ જપ્ત
વાડજમા ફ્લેટમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે રેડ કરતા પોલીસને ઇમ્પોર્ટેડ દારૂની બોટલો તો મળી, પરંતુ તેમને ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પણ મળી આવ્યું છે. પોલીસે 1.25 લાખ રૂપિયાની કિંમતની માત્ર પાંચ દારૂની બોટલ, લેપટોપ અને મોબાઈલ કબ્જે કર્યો છે.

આરોપી અગાઉ કોલકાતામાં કોલ સેન્ટરમાં નોકરી કરતો
પકડાયેલો આરોપી છેલ્લા છ માસથી કોલ સેન્ટર ચલાવતો હતો. કોલકાતામાં કોલ સેન્ટરમા નોકરી કરીને તાલીમ મેળવી હતી અને ત્યાર બાદ ઘરે કોલ સેન્ટર શરૂ કર્યુ હતું. આરોપી હર્ષિલ શાહ પોતે US બેંકનો કર્મચારી બનીને ઝુમ એપ્લિકેશન દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરતો હતો અને લોન આપવાના બહાને બાંયધરીના નામે પ્રોસેસિંગ ફી દ્વારા ગુગલ પે, વોલમાર્ટ અને એપ્પલનુ ગિફ્ટકાર્ડ મેળવીને આંગડિયા પેઢી મારફતે ભારતીય ચલણમાં નાણાં મેળવતો હતો. પોલીસે તેના લેપટોપમાંથી અમેરિકન નાગરિકોના ડેટા સહિત મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

ઘરમાં દારૂ પકડાતા ગુનો નોંધવામાં આવ્યો
વાડજ પોલીસને કોલ સેન્ટર સાથે ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હોવાથી આરોપી હર્ષિલ શાહ વિરૂધ્ધ દારૂને લઈને વધુ એક ગુનો નોંધાવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીએ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી તે મુદ્દે પુછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...