મેયરની સૂચના:ગાયો છોડાવવા AMCની ગાડી આગળ ફરતા બાઇકચાલકો વિરુદ્ધ ગુનો નોંધાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • હવેથી બાઇકસવારોની વીડિયોગ્રાફી કરાશે, 2 વાર પકડાશે તો ફરિયાદ
  • રઝળતી ગાયો પકડવા અસરકારક કામગીરી કરવા મેયરની તાકીદ

શહેરમાં મ્યુનિ.ની સીએનસીડી વિભાગની ટીમ રસ્તે રઝળતી ગાયો પકડવા માટે કોઈ વિસ્તારમાં જાય ત્યારે કેટલાક બાઇકચાલકો તેમની આગળ આગળ દોડીને ગાયોને ભગાડી દેતા હોય છે. આવી સ્થિતિમાં આવા બાઇકની વીડિયોગ્રાફી કરવા અને બેથી ત્રણ વખત જો આવા બાઇકો વિધ્નરૂપ બને તો તેની સામે પોલીસ ફરિયાદ કરવા માટે મેયરે અધિકારીઓને તાકીદ કરી છે.

શહેરમાં રઝળતી ગાયો પકડવા મામલે તંત્રને વધુ અસરકારક કામ કરવા માટે ભાજપના પદાધિકારીઓએ તાકીદ કરી છે. આ ઉપરાંત રઝળતી ગાયો હાઈવે પરથી નહિ પણ શહેરી વિસ્તારમાંથી પકડવા પણ સૂચન કરાયું છે.

શહેરમાં અત્યારે પણ ઢોરવાડામાં 2500 રઝળતાં ઢોર પકડીને પુરાયાં છે. તેમનો નિભાવ ખર્ચ પણ મ્યુનિ. દ્વારા ઉઠાવવામાં આવે છે. શહેરમાં હાલ સીએનસીડી વિભાગની 13 ટીમે અલગ અલગ વોર્ડમાં ફરીને ઢોર પકડવાની કામગીરી કરે છે ત્યારે રઝળતાં ઢોરથી શહેરને મુક્ત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. જો રઝળતાં ઢોરનો ત્રાસ દૂર નહિ થાય તો અધિકારીઓ સામે પગલાંની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. રઝળતાં ઢોર છોડાવવા જે બાઇકર્સ અડચણો ઊભી કરશે તેમની સામે સરકારી કામમાં રૂકાવટ હેઠળ કેસ કરવા ડીવાયએમસીને તાકીદ કરવામાં આવી છે.

અગાઉ આવા બાઇકર્સ સામે ગુના નોંધાતા હતા
અગાઉ રઝળતાં ઢોર પકડવા માટેની ટીમની આગળપાછળ ફરતી બાઇકર્સ ગેંગને પકડવા પોલીસની વિશેષ મદદ લેવાઈ હતી, જેમાં આવા બાઇકર્સની પોલીસ ધરપકડ પણ કરતી હતી. પૂર્વ વિસ્તારમાં આવા કેટલાક કેસ નોંધાયા હતા. જોકે બાદમાં અચાનક મ્યુનિ.ની ટીમની સાથે પોલીસની ટ્રાફિક શાખાની ટીમે જોડાવાનું બંધ કરી દીધું હતું. તેને કારણે બાઇકર્સ બેફામ બની ગયા છે. મ્યુનિ.ની ટીમ ગાયો પડકવા પહોંચે તે પહેલાં આ લોકો ગાયો દોડાવી મ્યુનિ.ના સરકારી કામમાં અડચણરૂપ બને છે.

અન્ય સમાચારો પણ છે...