નવજાત બાળક કે જે દુનિયાથી અજાણ હોય અને આંખો ખોલીને દુનિયાને જોઈ પણ ના હોય તેવા 10 દિવસના નવજાત બાળકનો એક દંપતી સોદો કરીને લઈ જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને AHTUએ દંપતીને ઝડપી પાડ્યું છે. આ દંપતી બાળકને ગુજરાતમાંથી ખરીદીને હૈદરાબાદ ખાતે વેચવાના હતા. ક્રાઈમ બ્રાન્ચે દંપતી વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
દંપતીને 10 દિવસના બાળક સાથે ઝડપાયું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એસ.પી રિંગ રોડ રણાસણ પાસેથી બિપિન સિરસાડ અને મોનિકા સિરસાડ નામના દંપતીને 10 દિવસના બાળક સાથે ઝડપી પાડ્યું છે. બંનેને બાળક વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે બાળક તેઓ હિંમતનગરથી રમેશ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી 2 લાખ 10 હજારમાં ખરીદીને લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બાળક તેઓ હૈદરાબાદ ખાતે ઉમા નામની મહિલાને વેચવાના હતા.
આરોપી અગાઉ પણ તસ્કરીના ગુનામાં પકડાયો
જોકે, આ બાળકનો સોદો થાય તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપી વિરૂદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે તથા આ બાળકના માતા પિતા કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ કરવા પણ ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે. આરોપી બિપિન અગાઉ મહારાષ્ટ્રમાં તસ્કરીના ગુનામાં પકડાયેલો છે.
નિરમા યુનિવર્સિટી પાસે કારમાં આગ
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા નિરમા યુનિવર્સિટી પાસે આજે સવારે એક કારમાં આગ લાગી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગ લાગતાં કારચાલક બહાર નીકળી ગયો હતો જેથી તેનો બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી. પટના પડે આગ લાગતા લોકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.