અમદાવાદના વાસણા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રેતી નાખવાની અદાવતમાં કોન્ટ્રાક્ટરએ ત્રણ યુવકો પર કાર ચડાવી દીધી હતી. પહેલા આ સામાન્ય અકસ્માત લાગતો હતો, પરંતુ પોલીસ તપાસને અંતે આ હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી હતી. આ સમગ્ર મામલે હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ નદીમાંથી સતત રેતી ખનન થતી હોવાની બૂમ પડી હતી. પરંતુ ક્યાંક લાંચિયા બાબુઓની મિલીભગતના કારણે આ રેતી ખંનન ચાલતું હોવાની વાતો પણ હાલ લોક ચર્ચામાં છે.
કોન્ટ્રાક્ટરની હત્યા કરવા અકસ્માતનો પ્લાન ઘડ્યો
શહેરના જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારીને એક નિર્દોષ રાહદારીની હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે. બીલ્ડીગની રેતી ભરવા મામલે કોન્ટ્રાક્ટરો બાખડ્યા હતા. જેની અદાવત રાખીને એક કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટરની હત્યા કરવા માટે અકસ્માતનો પ્લાન બનાવ્યો હતો. આજે સવારે બાઇક પર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ યુવકો જઇ રહ્યા હતા. ત્યારે બીજા કોન્ટ્રાક્ટરે કારની ટક્કર મારી હતી. જેમાં ત્રણેય જણા જમીન પર નીચે પડી જતા એક રાહદારી તેને બચાવવા માટે દોડી આવ્યો હતો. રાહદારી બચાવતો હતો, ત્યારે કારચાલક કોન્ટ્રાક્ટરે ફરીથી તેમને અડફેટમાં લેવાની કોશિષ કરી હતી. જેમાં રાહદારીનું કરુણ મોત થયુ હતું.
બે કોન્ટ્રાક્ટર વચ્ચે રેતી ભરવા મામલે માથાકુટ
આ ઘટનાની જાણ થતાં પોલીસે પહેલા અકસ્માતની તપાસ કરી હતી. પણ આ અકસ્માત નહીં હત્યા હોવાનું સામે આવતા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસમાં સામે આવ્યું કે, પાલડી વિસ્તારમાં આવેલા સુવિધા સર્કલ પાસે સવારે રાજુ વણઝારા અને દશરથ ઓડ તથા રાજુ નામના કોન્ટ્રાક્ટરને રેતી ભરવા મામલે માથાકુટ થઇ હતી. બન્ને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણી વખત રેતીનો કોન્ટ્રાક્ટ લેવા મામલે બોલાચાલી ચાલતી હતી. જેમાં પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઇ હતી. બન્ને કોન્ટ્રાક્ટરોની બબાલનો ભોગ આજે એક નિર્દોષ વ્યકિત બન્યો છે. દશરથ ઓડ અને તેના સાગરીએ રાજુને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારીને હત્યા કરવા માટેનો પ્લાન કર્યો હતો.
આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છુટ્યા
સવારે રાજુ વણઝારા તેના બે સાથીદારો સાથે બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે દશરથ ઓડ અને તેનો સાગરીત કાર લઇને આવ્યા હતા અને બાઇકને ટક્કર મારી હતી. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારતા રાજુ અને તેના સાથદારો જમીન પર પડી ગયા હતા. ત્રણેય જણાને જમીન પર પડેલા જોઇએ અરવિદ ચૌહાણ નામનો રાહદારી તેમને બચાવવા માટે દોડી ગયો હતો. અરવિદ રાજુ અને તેના સાથીદારોને ઉભા કરતા હતા, ત્યારે દશરથ ફરીથી કાર લઇને આવ્યો હતો અને અરવિદ પર ચઢાવી દીધી હતી. જેમાં અરવીંદનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જે બાદ દશરથ અને તેનો સાગરીત ઘટનાસ્થળેથી નાસી છુટ્યો હતો. જેને લઈને વાસણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
આરોપીઓને ખુલ્લો દોર મળી જતા બેફામ બન્યા
આ બને પક્ષના લોકો વચ્ચે ઘણા સમયથી બબાલ ચાલતી હતી. પાલડી પોલીસે પણ માત્ર સામાન્ય ફરિયાદ નોંધી હતી. જેથી આરોપીઓને ખુલ્લો દોર મળી જતા બેફામ બન્યા હતા અને એકની હત્યાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે આ માફિયાઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.