એન્ટી કરપ્શન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવિણ ચૌધરી છેલ્લા છ મહિનાથી માંદગીનુ કારણ બતાવી રજા પર ઉતરી ગયા હતા. જેથી તેમને નોટિસ આપી માંદગી કે સારવાર કે રેસ્ટ સર્ટીફિકેટ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ પીઆઈ પ્રવિણ ચૌધરીએ કોઈ જવાબ તેમની કચેરીએ આપ્યો ન હતો. આ અંગે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં એસીબીની પીઆઈ વિરુદ્ધમાં એસીબીના પીઆઇએ જ ગુનો નોધાવ્યો હતો. પીઆઇના વિરુધ્ધમાં ગુજરાત પોલીસ એક્ટની કલમ 145(3) મુજબ ફરિયાદ નોંધાઇ હતી.
લાંબો સમય થયો છતાં ફરજ પર હાજર થયા ન હતા
શાહિબાગના ડફનાળા વિસ્તારમાં આવેલી એસીબી ઓફિસમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર યુ સી પરેવાએ શાહિબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ નોધાવી હતી. પીઆઇ પારેવા એન્ટી કરપ્શન બ્યુરો ખાતે અમદાવાદમાં 30 જૂન 2021થી ફરજ બજાવે છે. 30 નવેમ્બર 2021ના રોજ એસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવિણ અમૃતભાઇ ચૌધરી બીમારીની રજા પર ગયા હતા. જેથી તેમની નોકરી એન્ટી કરપ્શન વિભાગમાં હોવાથી તેમણે વર્ધી લખાવી જાણ કરી હતી. બાદ લાંબો સમય થયો હોવાં છતાં પ્રવિણ ચૌધરી ફરજ પર હાજર થયા ન હતા. જેથી એસીબી કચેરી ખાતેથી તેમને આ અંગે તેમને હાજર થવા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પીઆઇ પ્રવિણ ચૌધરીએ તેમના સારવાર કે રેસ્ટ કરવા અંગેના કોઇ મેડિકલ સર્ટી રજૂ કર્યા ન હતા.
મેડિકલ સર્ટી સાથે જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો
એસીબી કચેરીએ 12 એપ્રિલ, 11 મે અને 26 મેના રોજ તેમને લેખીતમાં આ અંગે મેડિકલ સર્ટી રજૂ કરવા અથવા હાજર થવા અંગેની નોટીસ પાઠવી હતી. જેમાં ફરજ પર હાજર થવા અને મેડિકલ સર્ટી સાથે તેમનો જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. તેમ છતાં તે અંગે તેમને એસીબી કચેરી કે અન્ય કોઇ અધિકારીને આ અંગે કોઇ જાણ કરી ન હતી. આખરે તેઓ હાજર ન થતાં અને ફરજ પર આવતા ન હતા. જોકે મેડિકલ સર્ટી પણ રજૂ કર્યા ન હતા. પોલીસ ઇન્સ્પેકટર પ્રવિણ ચૌધરી મનસ્વિપણે કોઇ પણ વ્યાજબી કારણ વગર ગેરહાજર રહેતા તેમની સામે એસીબીના પીઆઇએ જ શાહિબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાવ્યો હતો. પોલીસે ગુજરાત પોલીસ એક્ટની કલમ 145(3) મુજબ ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.