અમદાવાદમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરીકો સાથે અમાનવિય અભિગમ દાખવી ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતી હોવાની ફરિયાદો વારંવાર ઉચ્ચ અધિકારીઓને મળતી હોય છે. આ પ્રકારના કિસ્સામાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લઈ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં દાહોદના વ્યક્તિને નાકાબંધી પોઈન્ટ પર માર મારીને રૂપિયા પડાવનાર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાડીના કાગળો બતાવવા છતાં માર મારી 10 હજાર પડાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 18મી મેના રોજ દાહોદ જીલ્લાના જાલતના વતની પંકજભાઈ બોલેરો ગાડીમાં પોતાના સંબંધીઓ સાથે ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે સહજાનંદ સ્કૂલ ઓફ એચીવરમાં એડમિશન લેવા માટે જતાં હતાં. આ દરમિયાન ઓઢવ વિસ્તારમાં સ્થિત ચેકિંગ પોઈન્ટ પર કેટલાક પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ તેમને ચેકિંગના બહાને રોક્યા હતાં. પોલીસે ગાડીમાં બેઠેલા લોકોને પણ નીચે ઉતાર્યા હતાં. પોલીસે પંકજભાઈ પાસે ગાડીના કાગળો માંગ્યા હતાં. કાગળો બતાવવા છતાંય પોલીસે ગાળાગાળી કરીને લાફા તેમજ પ્લાસ્ટિકના પાઈપથી માર મારીને દંડ પેટે 10 હજારની માંગ કરી હતી. તે ઉપરાંત ગાડીમાં સવાર લોકો પાસેથી પણ બળજબરી પૂર્વક 6 હજાર રૂપિયા કઢાવ્યા હતાં.
ભૂખ્યા ફરિયાદી માટે ભોજનની વ્યવસ્થા કરી
આ કેસની રજૂઆત ઝોન-5 નાયબ પોલીસ કમિશ્નરને મળતાં તેમણે સંયુક્ત પોલીસ કમિશ્વનર સેક્ટર-2 ગૌતમ પરમાર સાથે ચર્ચા કરતાં તેમણે પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ત્યારે વિજયસિંહ બળવંતસિંહ, દિપકસિંહ ઉદેસિંહ, હોમગાર્ડ મેહૂલ ગોવિંદભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા ફરિયાદીને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જયારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના માનસ પર ખોટી અસર ના થાય તે માટે બુકે આપી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.