અમદાવાદમાં વેપારી લૂંટાયો:નિકોલમાં વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા બોગસ પત્રકાર બનીને ત્રણ શખ્સોએ લાફા મારીને લૂંટી લીધો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિકોલમાં બોગસ પત્રકાર બનીને ત્રણ શખ્સોએ પ્લાસ્ટીકના વેપારીને લૂંટી લીધો હતો. ત્યારે પ્લાસ્ટીક પર પ્રતિબંધ છે તમારૂ કારખાનું સીલ મરાવી દઇશું તેવી ધમકી આપીને રૂપિયાની માંગણી કરતા હતા પરંતુ વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા ત્રણેય શખ્સોએ વેપારીને લાફા મારીને તેની પાસે રહેલ રૂપિયા લૂંટી લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ ઠગ ટોળકીએ ઓઢવ અને નિકોલ વિસ્તારમાં પ્લાસ્ટીકના 4થી 5 વેપારીઓને આવી રીતે લૂંટ્યા હોવાનું સામે આવ્યુ છે. આ અંગે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

કારખાનાને સીલ મરાવી દેવાની ધમકી
નિકોલમાં રહેતા અને મૂળ અમરેલીના કીરીટભાઇ કાનાણી ઓઢવમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવે છે. જેમાં ગઇકાલે તેઓ કારખાના પર હાજર હતા ત્યારે રાત્રીના 9 વાગ્યાની આસપાસ કિશોર ગોસ્વામી, ઓમપ્રકાશ તિવારી અને દિપક ડાભી નામના શખ્સો તેમના કારખાનામાં ઘૂસી ગયા હતા. જેમાં કિશોરે કીરીટભાઇને જણાવ્યુ કે તમે પ્લાસ્ટીકના ડુપ્લીકેટ પંપ બનાવો છો સરકાર દ્વારા પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તમારે કારખાનુ ચાલુ રાખવુ હોય તો તમારે એક લાખ રૂપિયા આપવા પડશે અને જો નહિ આપો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને કારખાનાને સીલ મરાવી દઇશ તેવી ધમકી આપી હતી. તમે અમને ઓળખતા નથી અમે પત્રકાર છીએ તેમ જણાવ્યુ હતુ.

ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી
ત્યારબાદ ત્રણેય શખ્સોએ તેમની સાથે ઝઘડો કરીને વેપારીને લાફો મારીને કીરીટભાઇ પાસે રહેલ રૂ. 4 હજાર લૂંટી લીધા હતા પરંતુ તેમણે બૂમાબૂમ કરતા કારીગરો અને આસપાસના સ્થાનિકોએ ત્રણેય શખ્સોને ઝડપીને પોલીસના હવાલે કર્યા હતા. આ અંગે કીરીટભાઇએ ત્રણેય શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વેપારી પાસેથી રૂપિયા પડાવતા પત્રકરા સહિત 6 સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓઢવ વિસ્તારમાં પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનુ ઉત્પાદન કરતા ત્રણ કારખાનેદારોને પ્રતિબંધિત કામગીરી કરતા હોવાની ધમકી આપી વીડિયો ઉતારીને લાખો રૂપિયાની ખંડણીની માંગણી કરીને 65 હજારની રકમ પડાવી લેવા સબબ ત્રણ અલગ અળગ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં ત્રણ લેભાગુ પત્રકારો એક કેમેરામેન અને બેથી ત્રણ અજાણઅયા માણસોનો સમાવેશ થાય છે.

કારખાનું ચાલુ રાખવુ હોય તો પાંચ લાખ આપવા પડશે
નિકોલમાં રહેતા અને કઠવાડા જીઆઇડીસીમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા રાજેશભાઈ વાડોદરીયાના કારખાના પર શુક્રવારે રાતના સવા એક વાગે પાંચ જેટલા માણસો આવ્યા હતા. એકે પોતાનું નામ કેતન હસમુખભાઈ વાળંદ કભી કભી ન્યુઝના તંત્ર અને એડીટર ઇન ચીફ હોવાનું કહીને પ્લાસ્ટીકની ચમચીઓ બનાવો છો તે સરકારે પ્રતિબંધિત કરી છે તેમ કહીને કારખાનું ચાલુ રાખવુ હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે તેમ કહ્યું હતું.

વેપારીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી ફરિયાદ નોંધાવી
આમ ન કરે તો મ્યુનિને જાણ કરી કારખાનાને સીલ મરાવી દેવાની ધમકી આપી હતી. તેની સાથેના વ્યક્તિએ પોતાનું નામ ભાવિન ઘનશ્યામભાઈ પટેલ લોકપત્રિકા ન્યુઝમાં કામ કરતા હોવાનું સાથેના અંકિત ધીરૂભાઈ જોટંગીયાએ અને ચોથા માણસ નિકુંજ રમેશભાઈ પ્રજાપતિએ આ ન્યુઝવાળાનો મિત્ર હોવાનું કહીને પૈસા આપવા કહ્યું હતું. આ લોકોની વાત જાણ્યા બાદ રમેશભાઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી કેતન વાળંદ, ભાવિન પટેલ, અંકિત જોટંગીયા અને નિકુજ પ્રજાપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ધમકી આપી 15 હજાર પડાવી લીધાની ફરિયાદ
આ ઘટનાની જાણ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા વેપારીઓને થતાં વધુ એક વેપારી મયુરભાઈ ગોધાણીએ તેમની ફેક્ટરી પર કારમાં આવેલા કિશોર ગોસ્વામી, ગુજરાત ન્યુઝના તંત્રી તથા તેની સાથે આવેલા બે અજાણ્યા પુરૂષો સામે એક લાખની માંગણી કરી રૂપિયા 40 હજાર પડાવી લીધાની તથા અન્ય એક વેપારીએ ભરતભાઈ પાસાણીએ પણ કભી કભી ન્યુઝના તંત્રી કેતન વાળંદ અને તેની સાથેના બે અજાણ્યા ઇસમો સામે ધમકી આપી 15 હજાર પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...