તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:સાણંદ તાલુકાના અણિયારી ગામેથી ડિગ્રી વિના દવાખાનુ ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

અમદાવાદ4 દિવસ પહેલા
SOGએ બાતમીને આધારે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો
  • છેલ્લા બે મહિનામાં 130થી વધુ નકલી ડોક્ટરો ઝડપાયા

રાજ્યમાં કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢ વર્ષથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ, ઈન્જેક્શન સહિતની અછતના કારણે દર્દીઓ કલાકો સુધી લાઈનોમાં પણ ઉભા ઉભા રહેવું પડ્યું હતું. ત્યારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી કોરોના સારવારના બહાને પેક્ટિસ કરતા નકલી ડોક્ટરો ઝડપાયા છે. સાણંદ તાલુકાના અણિયારી ગામેથી ડિગ્રી વિના ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને SOGએ ઝડપી પાડ્યો છે.

પોલીસે 37 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદ ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે અણિયારી ગામમાં દુકાન ભાડે રાખીને ગેરકાયદે ક્લિનિક ચલાવી એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વિના લોકોને રમજાનભાઇ હાજીભાઇ વાળંદ નામનો એક ઈસમ દવાઓ આપી રહ્યો છે. ત્યારે બાતમીને આધારે પોલીસે સ્થળ પર જઈને આરોપી નકલી ડૉક્ટરની અટકાયત કરી હતી. આરોપી ડૉક્ટર પાસેથી જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો કુલ મળી 37 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠામાં નકલી ડોક્ટર ઉપર પોલીસની રેડ, 5ની ધરપકડ
બનાસકાંઠામાં નકલી ડોક્ટર ઉપર પોલીસની રેડ, 5ની ધરપકડ

1 એપ્રિલથી 31 મે સુધીમાં 130 નકલી ડોક્ટર ઝડપાયા
1 એપ્રિલથી 31 મે સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે 130 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાથી 53 બોગસ ડોક્ટર ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપાયા છે. ત્યારે 18 નકલી ડોક્ટરો તો માત્ર બે દિવસમાં પકડાયા હતા. જેમા વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9 નકલી ડોક્ટર ઝડપી ગુના નોંધાયા છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં 4, પંચમહાલમાં 4, મોરબીમાં એક નકલી ડોક્ટર પકડાયા છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાત બહારથી આવેલા શખ્સો ડિગ્રી વગર નકલી ડોક્ટર બની ગામડાના લોકોને સારવારના નામે લૂંટી રહ્યા હતા. હજુપણ સ્પેશિયલ ટીમ અલગ-અલગ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના ડોક્ટરોની શોધ કરી રહી છે અને ઝડપાયા બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

ડીજીપીના આદેશ બાદ સ્પેશિયલ ટીમે એક્શનમાં આવી
રેડ કરતી સ્પેશિયલ ટીમને જાણ થઈ કે બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ ક્લિનિકના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો અછત છે ત્યાં અમુક આ પ્રકારના ડોક્ટર સારવારના નામે લોકોને આડી અવડી દવાઓ આપતા હોય છે. ડોક્ટર ડીગ્રી કે પ્રેક્ટિસનો પરવાનો ન હોવા છતાં ગામડાના લોકોને કોરોનાની સારવારના નામે મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. આવા ડોકટરો પાસે સારવાર લેનાર અનેક દર્દીની તબિયત બગડતા તેઓને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કિસ્સાઓની જાણ ડીજીપી આશિષ ભાટિયાને થતા તેઓએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.