ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા એક રસપ્રદ કિસ્સામાં મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે પડોશીને 15 દિવસમાં બાકી રહેલું બાંધકામ પૂર્ણ કરવા સમય આપ્યો છે, જો ન થાય તો કોર્ટના આદેશના તિરસ્કાર કરવા બદલ જેલમાં મોકલવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં ખંડપીઠે ચેતવણી આપી છે કે, કોર્ટ સાથે સંતાકૂકડી ન રમો.
કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરાઈ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પલ્લવી રો હાઉસ સોસાયટીમાં અરજદારે પડોશી સામે કોર્ટ સમક્ષ બાહેંધરી આપવા છતાંય બાકી રહેલી બાંધકામ પૂર્ણ ન કરતા કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી હતી. આ સંદર્ભે એક મહિના અગાઉ પ્રતિવાદી પડોશી દ્વારા એક મહિનાની અંદર સમારકામ પૂર્ણ કરી લેવા માટે એફિડેવિટ કર્યું હતું. પરંતુ તેમ છતાંય હજુ સુધી તે પૂર્ણ ન થતાં કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
20 વર્ષથી યથાસ્થિતિમાં ઘર રહેતા અરજદાર પરેશાન
નવરંગપુરા વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે મકાનના સમારકામ સંદર્ભે ચાલી રહેલા કેસમાં કડકાઈ દાખવી છે. પલ્લવી રો હાઉસ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અરજદારે તેના પડોશી, કે જે તેના પહેલા માળે મકાન ધરાવે છે, દ્વારા 20 વર્ષ અગાઉ તેને પોતાના ઘરનું રિનોવેશનની કામગીરી હાથ ધરી હતી. રિનોવેશન માટે તેને ફ્લોરિંગ પણ તોડવી નાંખ્યું હતું. અરજદાર વતી એડવોકેટ યતીન સોનીએ રજૂઆત કરી કે, 20 વર્ષ બાદ પણ તેને એ જ સ્થિતિમાં રાખ્યું હતું. એટલે કે રિનોવેશનનું કામ પૂર્ણ કર્યું ન હતું. જેથી આ કેસમાં અરજદારને પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ધરાવતા અરજદારને ઘરમાં પાણી પડવાની સમસ્યા પણ સર્જાઇ હતી.
હાઈકોર્ટે સમારકામ પૂર્ણ કરવા આદેશ કર્યો હતો
મુશ્કેલીનો સામનો કરતા અરજદારે હાઇકોર્ટમાં તેના પડોશી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં હાઈકોર્ટે અરજદારની તરફેણમાં નિશ્ચિત સમયગાળામાં સમારકામ પૂર્ણ કરવા માટે હુકમ કર્યો. તેમ ન થતાં અરજદારે જેમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી હતી. જેમાં 18મી એપ્રિલના રોજ પ્રતિવાદી પડોશીએ એક મહિનાની અંદર રિનોવેશનની કામગીરી પૂર્ણ કરવા માટે એફિડેવિટ કર્યું હતું. પરંતુ તેમ ન થતાં કોર્ટે નારાજગી દર્શાવી અને ટકોર કરી કે, પ્રતિવાદી પડોશી સંતાકૂકડીની રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે'. ખંડપીઠે અત્યાર સુધી થયેલી કામગીરીના ફોટોગ્રાફ જોયા બાદ અસંતોષ વ્યક્ત કર્યો અને કોર્ટના આદેશના તિરસ્કાર મામલે કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવી છે.
વૃદ્ધ પાસે પૈસા છતાં રિપેરિંગ કરાવતા નથી
અરજદારે એવી દલીલ કરી હતી કે, વૃદ્ધાના બે દીકરા છે તેમાંથી એક ડોકટર છે. વૃદ્ધે તેમના પગનું ઓપરેશન પણ સિંગાપુર જઈને કરાવ્યું છે. તેમની પાસે પૈસા નથી એ વાત સાવ ખોટી છે. ખરેખર તો તેમને મકાન રિપેરિંગ કરવા માટે પૈસા વાપરવા નથી. ખંડપીઠે વૃદ્ધને કહ્યુ હતું કે અહીં સુરતમાં પણ સિંગાપુર છે તમને ખબર છે? 15 દિવસમાં ધાબા સહિતના કામ પૂરા કરો નહીંતર જેલમાં ધકેલી દેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.