હતાશામાં ડૂબેલાને ઉગારતી 'સખી’:ભિખારી જેવી દેખાતી મહિલા બેંક-મેનેજર, ગરીબીમાં રિબાતી 'કરોડપતિ' ત્યક્તાનો સહારો બની તેમને ફરી જીવતા શિખવાડતા દેવદૂતો

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિને 45 જેટલી ત્યક્તા આવે છે, જેમને મળે છે સહારો
  • દીકરાઓએ મિલકત પચાવી રસ્તે રઝળતાં કરેલાં માતા-પિતાને આ સેન્ટરે ઘર પાછું અપાવ્યું

આપણે ટ્રાફિક સિગ્નલ પર કે રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ પર લઘર-વઘર હાલતમાં ફરતા લોકોને જોઈને ભલે મોઢું ન મચકોડીએ, પણ નજર અવશ્ય ફેરવી લઈએ છીએ. આપણને લાગે કે આ ભિખારીઓ ક્યાં આવી ગયા, પરંતુ શું તમને ખબર છે કે આમાંની કોઈ બેંકનાં મેનેજર છે ને કોઈ માલેતુજાર પરિવારની શેઠાણી! આ ખરેખર સત્ય વાત છે અને વિશ્વાસ ન બેસતો હોય તો જરા એક આંટો મારી આવો અમદાવાદ મોટી સિવિલ હોસ્પિટલના સખી વન સ્ટોપ સેન્ટરમાં. અહીં દર મહિને 45 જેટલી એવી મહિલા, યુવતી આવે છે, જેમને સમાજ અને પરિવારે તરછોડી દીધી છે. આ સેન્ટર તેમનો સહારો બને છે અને ડૂબતાને તણખલું બચાવે એમ હતાશામાં ડૂબી જતા ઉગારે છે. એટલું જ નહીં, તેમને ફરીથી જિંદગી શરૂ કરવા માટેનો જુસ્સો અને મદદ પણ પૂરાં પાડે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા સખી વન સ્ટોપ પ્રોજેક્ટમાં નર્કાગાર સ્થિતિમાં હોય તેવી મહિલાઓ આવે છે. અલગ અલગ સંસ્થા અને એજન્સીઓ, સ્થાનિક લોકો કે કોઇ વ્યક્તિ આવી પીડિત મહિલાઓની જાણ કરીને તેમને ત્યાં પહોંચાડે છે. આ સેન્ટરમાં આવેલી મહિલાઓની સમસ્યા સાંભળી તેમનું રિહેબિલિટેશન કરાય છે. ડિપ્રેશનમાં હોય તોપણ તેમને ઘર જેવું પોતીકાપણું લાગે એ માટે અહીં વાતાવરણ ઊભું કરાયેલું છે. આ સેન્ટરમાં કાર્યરત મિત્તલબેન પટેલે જણાવ્યું કે આ ઘરથી દૂર હોય તેવું પોતાનું ઘર જ છે, જ્યાં સારવાર, હૂંફ અને આત્મીયતા આપવા પ્રયાસ કરાય છે. અહીં રડતી આવતી બહેનો હસતા મોઢે જાય એ અમારા માટે ખૂબ જ મોટું ઇનામ છે.

કિસ્સો-1: સરકારી બેંકનાં મેનેજર રખડતી હાલતમાં મળ્યાં
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા ભિખારીની જેમ રખડતી હાલતમાં ફરી રહી હતી. કેટલાય દિવસથી નહાયા-ધોયા વગર મહિલામાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી. લોકો તેને હડધૂત કરી રહ્યા હતા. આ અંગે કોઇએ 108ને જાણ કરી અને સારવાર માટે પહેલા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી. આ મહિલાને પૂછપરછ કરતાં તે હિન્દી ભાષા બોલતી હતી, તેણે કહ્યું કે તે છત્તિસગઢની છે. આ વાત જાણીને મહિલાને પહેલા સાંત્વના આપી પછી સારવાર કરાવીને નવડાવી અને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. આ તરફ સખીના કો-ઓર્ડિનેટરે છત્તીસગઢ પોલીસને જાણ કરી, પણ કોઇ કડી મળી નહીં. કાઉન્સેલિંગમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યું કે આ મહિલા સુરતની અને સરકારી બેંકમાં મનેજર હતાં. તેમની બેંકમાં એક એન્ટ્રી દરમિયાન ભૂલ થઈ ગઈ હતી, જેથી તેમને ખૂબ મોટી ભૂલ કરી હોવાનું લાગી આવતાં ઘરેથી નીકળી ગયાં હતાં. તેમના પરિવારને સુરતમાં શોધી લેવામાં આવ્યો અને તેમને અમદાવાદ બોલાવવામાં આવ્યો. પરિવાર તેમને ઓળખી સાથે લઈ ગયો. હાલ આ મહિલા ફરી નોકરીએ ચઢી ગયાં છે અને પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

કિસ્સો-2ઃ કાર ડ્રાઇવરે આબરૂ લૂંટતાં ઘરેથી નીકળી ઠેર ઠેર ભટકતી
અમદાવાદ નજીક આવેલા ગામમાં રહેતી એક યુવતી નિશા ( નામ બદલ્યું છે ) પોતાના પરિવારને મદદ કરવા માટે નોકરી કરવા અમદાવાદ શહેરમાં આવતી હતી. આ ગામની અન્ય યુવતીઓ પણ કામ કરવા અમદાવાદ આવતી હતી, એ માટે તેમણે એક ઇકો કાર રોજના ભાડેથી રાખી હતી. એક દિવસ નિશા એકલી અમદાવાદ આવી હતી. રસ્તામાં ડ્રાઇવરે યેન કેન પ્રકારેણ નિશાને જીરુ સોડા પીવડાવી અને થોડી જ વારમાં નિશા બેભાન થઈ ગઈ. પછી તેને કોઈ ભાન રહ્યું નહીં. એ દરમિયાન ડ્રાઇવરે નિશાના આપત્તિજનક વીડિયો ઉતારી લીધા. થોડા દિવસમાં આ વીડિયો નિશાની ઓફિસ અને ઘરની આસપાસના લોકોના મોબાઇલમાં ફરવા લાગ્યા. જેથી નિશા પોતાનાં માતા-પિતાની આબરૂ ન જાય અને લોકો શું કહેશે એ વાતથી ડરીને ઘરેથી નીકળી ગઈ. નિશા રખડતી અને રડતી હાલતમાં એસટી સ્ટેન્ડ પાસે ફરતી હતી, ત્યાંથી કોઇએ નિશાને સખી સેન્ટર પહોંચાડી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આજે નિશાએ હેવાન સામે ફરિયાદ નોંધાવી છે અને ફરી પોતાની સામાન્ય જિંદગી જીવી રહી છે તેનો પરિવાર નિશાને ખૂબ ખુશ રાખી રહ્યો છે.

કિસ્સો-3ઃ MBAએ માયાને પતિ સાથે ઝઘડાઓ થયા તો ઘર છોડ્યું
MBA ભણેલી માયા (નામ બદલ્યું છે)ના લગ્ન મુંબઈના ડોક્ટર ભાવેશ(નામ બદલ્યું છે) સાથે થયા હતા. માયા લગ્ન કરીને મુંબઈમાં સેટલ થઇ ગઇ હતી. લગ્ન બાદ માયા અને ભાવેશ મુંબઈની હાઇપ્રોફાઇલ લાઇફસ્ટાઇલ જીવવા લાગ્યાં હતાં. થોડા સમય બાદ ભાવેશની હાઇપ્રોફાઇલ લાઇફસ્ટાઇલ માયાને માફક આવતી ન હતી. જેથી માયા અને ભાવેશ વચ્ચે ઝઘડો થવા લાગ્યો. માયા આ અંગે તેનાં માતા-પિતાને ફોન પર વાત કરતી હતી, પણ તેનાં માતા-પિતા માયાનું સાંભળવાને બદલે માયા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પતિ બાદ સગાં માતા-પિતાએ વાત કરવાનુ બંધ કરી દેતાં માયા મુંબઇથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગઈ હતી. પહેરેલા કપડે નીકળેલી માયા પર ખરાબ નજર નાખતા હતા. આ વાત કોઈ સજ્જન વ્યક્તિના ધ્યાનમાં આવી અને તેમણે સખી સેન્ટર સુધી પહોંચાડી. ફાંકડું અંગ્રેજી બોલતી માયા ડિપ્રેશનમાં હતી. ત્યાર બાદ તેનાં માતા-પિતા અને સાસુ-સસરાને ત્યાં બોલાવવામાં આવ્યાં. માયા અંગેની વાત કરતાં માયાનાં માતા-પિતા અને સાસુ-સસરાએ તેની જિંદગીનો નિર્ણય જાતે લેવા માટે હિંમત આપી હતી.

કિસ્સો-4: દીકરાઓએ મિલકત પચાવી મા-બાપને રઝળતાં કર્યાં
સભ્ય સમાજમાં ચોંકાવનારો કિસ્સો ગણાય એમ અમદાવાદ શહેરના પોશ વિસ્તારના પરિવારમાં બન્યો હતો. કેન્દ્ર સરકારમાં ક્લાસ-1માં ફરજ બજાવતા દાદાએ પોતાના કારકિર્દીમાં અમદાવાદ શહેર અને આસપાસ ઘણી મિલકત વસાવી હતી. દાદા નિવૃત્ત થયા ત્યારે પણ લાખો રૂપિયા આવ્યા હતા. બા-દાદા પોતે ચાર દીકરાના ભરોસે પોતાનું પાછલું જીવન જીવવા માગતા હતા,. પરંતુ થયું કંઇક એવું કે ભલ ભલાની આંખમાં આસુ આવી જાય. બા-દાદાએ પોતાની તમામ મિલકત અને રૂપિયા ચાર દીકરા વચ્ચે વહેંચી દીધા હતા. રોજ જે દીકરા બા-દાદાને પગે લાગીને જતા હતા તે દીકરા જ મિલકતની વહેંચણી થતાંની સાથે જ મોઢું ફેરવીને જવા લાગ્યા.

કળિયુગના દીકરાઓએ બા-દાદાને ઘરમાંથી હાથ પકડીને કાઢી મૂક્યા હતા. બા-દાદા રખડતાં-ભટકતાં કોઇ ઓશિયાળું જીવન ફૂટપાથ પર જીવી રહ્યાં હતાં. આ દરમિયાન બા-દાદાને કોઇ પરિચિત વ્યક્તિએ સખી વન સ્ટોપ સુધી પહોંચાડ્યા હતા. બા-દાદાને એક રૂમમાં રાખી બીજા રૂમમા ચાર દીકરાને બોલાવ્યા અને તેમનાં માતા-પિતા વિશે વાત કરી તથા ફરી તેઓ ત્યાં ઝઘડવા લાગ્યા હતા. આખરે સમાજના વડીલોને ત્યાં બોલાવ્યા અને દરેક દીકરો 6 મહિના માતા-પિતાને રાખશે એમ નક્કી થયું. કલાકોની મહેનત બાદ બા-દાદાને તેનો મોટો દીકરો પહેલો વારો કહીને લઈ ગયો હતો.

કિસ્સો-5: ધો.11માં નાપાસ થતાં માતા-પિતાએ ઠપકો આપ્યો
મહારાષ્ટ્રના પુણેમાં રહેતી નેહા (નામ બદલ્યું છે) માતા-પિતાની એકની એક દીકરી છે. નેહા ધોરણ 11માં ભણતી હતી અને તે બે વિષયમાં નાપાસ થઈ, જેથી માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો. નેહા આમ તો ખૂબ શાંત સ્વભાવની હતી પણ તેના નાપાસ થવાથી તેનાં માતા-પિતાએ તેની પાસેથી મોબાઇલ ફોન લઈ લીધો હતો. આ વાતથી લાગી આવતાં નેહા રેલવે સ્ટેશન પહોંચી અને ટ્રેનમાં બેસી ગઈ હતી. આ ટ્રેન અમદાવાદ આવતાં તે રેલવે સ્ટેશન પર ક્યાં જવું અને શું કરવું એ વિચારતી હતી. તેની પાસે ફોન હતો નહીં એટલે કોનો સંપર્ક કરવો એ પણ ખબર ન હતી. આ દરમિયાન કોઇએ નેહાને સખી સેન્ટર સુધી પહોંચાડી હતી. જ્યાં નેહાએ પોતાની વાત કરી મહારાષ્ટ્ર પોલીસની મદદથી નેહાનાં માતા-પિતાને અમદાવાદ બોલાવવામાં આવ્યાં અને નેહાને તેના પરિવારને સોંપવામાં આવી હતી.

પોલીસ પણ મહિલાઓની ભાળ રાખે છે
સખી વન સ્ટોપ સેન્ટરમાં આવતી મહિલા યુવતીઓને જેમ તેમ કરીને ફરી સામાન્ય જિંદગી જીવવા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ આ યુવતીઓ મહિલાઓની સ્થિતિ કેવી છે એ જાણવા માટે પોલીસ પણ સખી મંડળના કહેવાથી તેમના ઘરે જઇને સ્થિતિ જાણે છે.

અન્ય સમાચારો પણ છે...