ઓનલાઈન છેતરપિંડી:અમદાવાદમાં સ્વરૂપવાન પરિણીતા સોશિયલ મીડિયા પર સીમા સાથે અંગત વાતો શેર કરતી, પણ સીમા સમીર નીકળ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણી વ્યક્તિને એડ સોશિયલ મીડિયા પર એડ કરતા પહેલા ચેતજો
  • સમીર નામના ભેજાબાજે સીમા બનીને પરિણીતા પાસેથી રૂપિયા પડાવ્યા

હાલના સમયમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટ ફોન છે અને તેમાંથી મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપયોગ પણ સોશિયલ સેન્સ સાથે કરવો જરૂરી છે. સોશિયલ મીડિયામાં સૌથી વધુ પરિણીતા, યુવતીઓ અને ટીનએજર રેકેટમાં ફસાય છે. અમદાવાદ સાયબર ક્રાઈમમાં પણ આ પ્રકારના અનેક કિસ્સા સામે આવ્યા છે.

અજાણી વ્યક્તિ સાથે સો.મીડિયા પર વાત કરવાનું ટાળવું
ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમોમાં ટપોરીઓ યુવતીઓ સાથે છેતરપિંડી કરીને પ્રેમજાળમાં ફસાવે છે. સાયબર ક્રાઈમના એસીપી મુજબ આ પ્રકારના શખ્સો પહેલા ટાઈમ પાસ માટે વાતો કરે છે, પછી ફોટો મેળવીને કે અંગત વાતો જાણીને બ્લેકમેલ કરવા લાગે છે. જેનાથી બચવા મહિલાઓ કે યુવતીઓએ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પર વાત કરવાનું ટાળવું જોઈએ.

લાઈક મેળવવાની ઘેલછામાં અજાણ્યાને ફ્રેન્ડ લિસ્ટમાં એડ ન કરવા
અમદાવાદ જેવા મોટા શહેરમાં યુવતીઓ કે પરિણીતાઓ અને ટીનએજ બળકીઓ પોતાના નવરાશનો સમય પસાર કરવા મોટા ભાગે સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં લાઈક, કોમેન્ટ મેળવવાની ઘેલછામાં અજાણ્યા લોકોને ફ્રેન્ડ લિસ્ટમાં એડ કરે છે. જો આ પ્રકારનો કોઈ વ્યક્તિ તમારામાં એડ થયો તો તે નિશાન તાકીને જ બેઠો હોય છે અને ફસાવવા માટે વિવિધ તરકીબો અજમાવે છે. જેમાં સામેની વ્યક્તિ પોતે કોઈ ટોચનો હોદ્દો ધરાવે છે અથવા તો યુવતીને બનીને વાત કરી ફસાવે છે. જો યુવતીઓ આ પ્રકારની બાબતોમાં થોડી પણ સાવચેતી ન રાખે તો પછી માથે હાથ મૂકીને રડવાનો વારો આવે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કિસ્સો-1: માલેતુજાર પરિવારની પરિણીતા એપમાં વીડિયો બનાવીને મુકતી
અમદાવાદના માલેતુજાર પરિવારની સ્વરૂપવાન પરિણીતા થોડા સમય પહેલા પ્રતિબંધિત થયેલી ચાઈનિઝ એપમાં પોતાના વીડિયો બનાવીને મુકતી હતી. આ પરિણીતાના અવેરનેસ માટેના વીડિયો જોઈને અનેક લોકો તેણીને ફોલો કરવા લાગ્યા હતા. બીજી તરફ આ જ વીડિયો તેણે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મુક્યાં હતાં. જે જોઈને અનેક લોકો તેને સોશિયલ મીડિયામાં ફોલો કરવા લાગ્યા અને અનેક લાઈક અને કૉમેન્ટ્સ પણ આવતા હતા.

એક દિવસ સીમા અચાનક વાત કરતી બંધ થઈ
આ પરિણીતા દરેકની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા લાગી હતી. તે સમયે સીમા(નામ બદલ્યું છે) નામની યુવતી તેની સાથે વાતો કરવા લાગી અને તેને અલગ અલગ ફોટો મોકલતી હતી. જેથી પરિણીતા પણ તેની સાથે વાત કરવા લાગી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે મિત્રતા થઈ જતા પરિણીતાએ પણ તેની અંગત વિગતો આપી. માત્ર એટલું જ નહીં, ઘણી વખત રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતાં. પરંતુ એક દિવસ અચાનક સીમા વાત કરતી બંધ થઈ ગઈ હતી. પરિણીતાએ સીમાને આપેલા રૂપિયા મેળવવા અનેક પ્રયાસ કર્યા પણ કોઈ જાણ ન થતા તેણે પોલીસની મદદ માંગી તો જાણવા મળ્યું કે આ કોઈ સીમા નહીં પણ સમીર નામનો ભેજાબાજ હતો અને તે આવી રીતે નામ બદલીને ચેટ કરતો હતો.

કિસ્સો-2: પૂર્વ ક્લાસમેટે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અશ્લિલ માગણી કરી
અમદાવાદની મેડિકલની વિદ્યાર્થિનીના સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. યુવતીની રિકવેસ્ટ હોવાથી તેણીએ આ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. ત્યાર બાદ તેમના મોબાઈલ પર અશ્લિલ માંગણી કરવામાં આવી. જેને પગલે વિદ્યાર્થિનીએ તપાસ કરતા આ કોઈ યુવતી નહીં, પણ તેની સાથે શાળામાં ભણતો વિદ્યાર્થી હતો. જે મામલે પોલીસે કાર્યવાહી કરી હતી.

કિસ્સો-3: હોમ મેડ વસ્તુનો ઓર્ડર લીધો અને પૈસા ગુમાવ્યા
​​​​​​​શહેરનાં પૂર્વ વિસ્તારમાં રહેતી અને હોમ મેડ પ્રોડક્ટનું વેચાણ કરતી યુવતીને સોશિયલ મીડિયામાં બિઝનેસ પ્રપોઝલ માટે ઓર્ડર અવ્યો હતો. ત્યાર બાદ યુવતીને આ ઓર્ડર મળતા તેણીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે નાણાકીય વ્યવહાર કર્યો અને બાદમાં જાણવા મળ્યું કે આ આખી વાત ખોટી હતી. ત્યાર બાદ સામેની વ્યક્તિએ રૂપિયા લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ફોન નંબર બંધ કરી દીધા હતા.

પોલીસ શું કહે છે
નામ અને ઓળખ બદલીને અનેક ભેજાબાજો લોકોને ફસાવતા હોય છે. ક્યારેક આર્થિક છેતરપિંડી, ક્યારેક બ્લેકમેઈલિંગ સુધી પણ વાત જાય છે. આ મામલે ACP જીતુ યાદવે DivyaBhaskarને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તેનો વાંધો નથી પણ દરેક અજાણી વ્યક્તિને પહેલા શંકાની નજરે જોવી જોઈએ. તેમજ રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા અનેક વખત વિચારવું જોઈએ. અન્યથા મોટી મુશ્કેલી પણ આવી શકે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા સોશિયલ સેન્સ પણ ધ્યાનમાં રાખવી જોઈએ.