તસ્કરી:મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં આંગડિયા પેઢીના કર્મીની 2 કરોડના દાગીના ભરેલી બેગ ચોરી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ-મહેમદાવાદ વચ્ચેની ઘટના, નડિયાદ GRPમાં ફરિયાદ કરાઈ

મુંબઈથી અમદાવાદ સૌરાષ્ટ્ર મેલમાં આવી રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેના રૂ.2.15 કરોડના કિંમતના સોનાના દાગીના ભરેલા થેલાની ટ્રેનમાંથી ચોરી થયાની ફરિયાદ અમદાવાદ જીઆરપી પોલીસ મથકમાં નોંધાઈ હતી. જો કે આ ઘટના ભરૂચ અને મહેમદાવાદ વચ્ચે બની હોવાથી અમદાવાદ જીઆરપીએ ફરિયાદ તપાસ માટે નડિયાદ જીઆરપીને મોકલી આપી હતી. જ્યાં ઘટનાની ગંભીરતાને જોતાં તેની તપાસ એલસીબી રેલવે વડોદરાને સોંપાઇ છે.

જીઆરપીના અધિકારી અનુસાર, મુંબઈથી ઉપડી ઓખા જતી સૌરાષ્ટ્ર મેલના એસ-3 કોચમાં 5 અને 6 નંબરની સીટ પર અમદાવાદના માણેકચોકમાં આવેલ આંગડિયા પેઢીના કર્મચારીઓ અમૃતલાલ કાંતિલાલ પટેલ અને અભુજી પ્રધાનજી ઠાકોર(મુળ રહે. રામોસણા ચોકડી, મહેસાણા) સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ ખાતે આપવાના દાગીનાના ત્રણ થેલા લઈને મુંબઈથી અમદાવાદ આવવા રવાના થયા હતા. ​​​​​​​તેઓએ સુરત ખાતે આપવાના પાર્સલ આપ્યા બાદ ત્યાંથી વધુ એક પાર્સલ લઈ ટ્રેનમાં બેઠા હતા. એ દરમિયાન ભરૂચ સુધી અભુજી જાગતા રહ્યા અને ભરૂચ બાદ તેમને ઉંઘ આવી જતા તેઓ સૂઈ ગયા હતા. આ ટ્રેન પરોઢિયે 4 વાગ્યાની આસપાસ મહેમદાવાદ આવી પહોંચતા અભુજી જાગ્યા હતા અને એ દરમિયાન થેલાની તપાસ કરતાં સીટ નંબર 4 નીચે મુકેલો થેલો ગુમ હોવાનું જણાયું હતું.

જેના પગલે તેમણે તત્કાલ તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય આંગડિયા કર્મચારીઓની સાથે કોચમાં અને આજુબાજુના કોચમાં તપાસ કરી હતી પરંતુ થેલો મળ્યો ન હતો. આ ચોરાઈ ગયેલી બેગમાં સોનાના દાગીના કિંમત રૂ. 2 કરોડ 15 લાખનો મુદ્દામાલ હતો. જેના પગલે તેમણે તત્કાલ આંગડિયા પેઢીના માલિકને જાણ કરી હતી. ત્યારબાદ ટ્રેન અમદાવાદ પહોંચી હતી, ત્યારે આંગડિયા પેઢીના માલિક સાથે મળીને કર્મચારીઓએ જીઆરપીમાં સોનાના દાગીના ભરેલા થેલાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...