એક્ટોપિયા કોર્ડિસ શું છે:બહાર હ્રદય સાથે જન્મેલા બાળકની અમદાવાદમાં થશે સર્જરી, 90 ટકા બાળકો ગર્ભમાં જ મૃત્યુ પામે છે, સગર્ભાઓ રાખે આ સાવચેતીઓ

અમદાવાદ21 દિવસ પહેલા
બહાર હ્રદય સાથે જન્મેલું બાળક
  • 1.6 કિ.ગ્રા વજન સાથે હિંમતનગરની એક હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો
  • 10 લાખે 5 થી 8 બાળકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે

સોશિયલ મીડિયામાં એક વીડિયો અને ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાળકનું હ્રદય બહાર તરફ ઉપસી આવ્યું હોય અને સતત ઘબકતુ જોવા મળી રહ્યું છે. ત્યારે DivyaBhaskar આ બીમારી શું છે અને તેને અટકાવવા માટે સગર્ભાઓએ કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે તે અંગે જણાવી રહ્યું છે.

અત્યંત ગંભીર હાલત હોવાથી યુ.એન.મહેતામાં લાવ્યા
સમગ્ર ઘટના અંગે સૌ કોઈના મનમાં અનેક સવાલો છે ત્યારે આ શું છે અને તે મેડિકલ જગતમાં શું કહેવામાં આવે છે તે અંગે જાણીએ. અધૂરા માસે પ્રસૂતિના કારણે 1.6 કિ.ગ્રા વજન સાથે હિંમતનગરની એક હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો. અન્ય નવજાત બાળકોની સરખામણીમાં આ નવજાત બાળકમાં નવાઇની વાત એ હતી કે તેના હ્રદયનો બહારની તરફ વિકાસ થયો હતો. જે જોઇને હિંમતનગરના તબીબો પણ આશ્રર્યચકિત થઇ ગયા. મેડિકલ જગતમાં આ એક્ટોપિયા કોર્ડિસ તરીકે ઓળખાય છે. 10 લાખે 5 થી 8 બાળકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. જે અત્યંત ગંભીર બિમારી હોવાથી બાળકને અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હ્રદયરોગની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું.

સર્ગભા અન્ય કોઇપણ પ્રકારની દવાઓનું સેવન કરતી હોય તો તબીબી સલાહ પ્રમાણે તેને આગળ ચાલુ રાખવું
સર્ગભા અન્ય કોઇપણ પ્રકારની દવાઓનું સેવન કરતી હોય તો તબીબી સલાહ પ્રમાણે તેને આગળ ચાલુ રાખવું

છાતીમાં હ્રદયને બેસાડવાની જગ્યા જ ન રહેતી હોવાથી સર્જરી અતિજટિલ
યુ.એન.મહેતા હોસ્પિટલના બાળ હ્રદયરોગ તબીબ ડૉ. ભાવિક ચાંપાનેરી વધુ વિગતો આપતા જણાવે છે કે, એક્ટોપિયા કોર્ડિસ જૂજ જોવા મળતી બિમારી છે. જેમાં બે પ્રકારના કિસ્સા સામાન્યપણે જોવા મળે છે. બાળકનું હ્રદય સંપૂર્ણપણે બહારની બાજુએ ઉપસી આવ્યું હોય અને સતત ધબકતુ હોય જ્યારે અન્ય પ્રકારના કિસ્સામાં હ્રદયનો અમૂક અંશ જ બહારની બાજુએ હોય. આ બાળકમાં હ્રદય સંપૂર્ણપણે બહારની બાજુએ ઉપસી આવ્યું છે. જે કારણોસર આ ઘટના અત્યંત જોખમી અને જટીલ બની રહી છે. આવા પ્રકારના કિસ્સામાં છાતીના ભાગમાં હ્રદયને બેસાડવાની જગ્યા જ ન રહેતી હોવાથી સર્જરી અતિજટિલ બની રહે છે. આ પ્રકારની સર્જરી વખતે હવે બહારથી ચામડીનું અન્ય પડ ઉભુ કરીને બાળકનું હ્રદય તેમાં બેસાડવું પડે.

સર્જરી માટે 3 થી 4 વર્ષની રાહ જોવી જરૂરી
સમય જતા બાળકના શરીરનો વિકાસ થાય ત્યારે હ્રદયને મૂળ જગ્યાએ બેસાડવા માટે પણ જગ્યા મળી રહે ત્યારે બીજા તબક્કામાં તેની સર્જરી કરીને તેને મૂળ સ્થાને બેસાડી શકાય. જે માટે ઓછામાં ઓછી 3 થી 4 વર્ષની રાહ જોવી પડે. એક્ટોપિયા કોર્ડીસની વાત કરીએ તો 10 લાખે 5 થી 8 બાળકોમાં જોવા મળતી આ પ્રકારની બિમારીમાં 90 ટકા બાળકોનું ગર્ભમાં જ મૃત્યુ થઇ જતું હોય છે. જ્યારે અન્ય 10 ટકા બાળકો જન્મ બાદ 7 થી 10 દિવસમાં મૃત્યુ થવાના કિસ્સા જોવા મળ્યા છે. આ પ્રકારના બાળકો બચી જવાના કિસ્સા ખૂબ જ જૂજ છે.

સગર્ભાઓએ આ સાવચેતીઓ રાખવી જરૂરી
એક્ટોપિયા કોર્ડિસ એટલે કે હ્રદય બહાર હોવું તે પ્રકારની બિમારી ન થાય, આવી સમસ્યા ન સર્જાય તે માટે સર્ગભા બહેનોએ બાળક ગર્ભમાં હોય ત્યારે જ સમયાંતરે સોનોગ્રાફી કરાવીને બાળકના વિવિધ અંગોના વિકાસ અર્થે તપાસ કરાવવી જોઇએ. સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે ત્યારે તે અન્ય કોઇ પ્રકારના વાઈરસથી સંક્રમિત ન થાય, તેને કોઇપણ પ્રકારના વાઈરસનો ચેપ ન લાગે તેની પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની રહે છે. સ્ત્રી સર્ગભાવસ્થા દરમિયાન અન્ય કોઇપણ પ્રકારની દવાઓનું સેવન કરતી હોય તો તબીબી સલાહ પ્રમાણે તેને આગળ ચાલુ રાખવું જોઇએ. ઘણી વખત દવાઓની આડઅસર હ્રદય પર જોવા મળતી હોય છે.

સર્જરીનો 8 થી 10 લાખના ખર્ચ
તબીબ કહે છે કે, આ પ્રકારનો કિસ્સો તબીબી જગત માટે ક્યારેય ગૌરવ સમાન ઘટના ન હોય શકે. જો સગર્ભાવસ્થા દરમિયાન જ પૂરતી તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના કિસ્સાની અટકાવી શકાય છે. યુ.એન.મહેતા હ્રદયરોગની હોસ્પિટલમાં સારવાર હેઠળ આ બાળકની ટૂંક સમયમાં સર્જરી હાથ ધરવામાં આવશે. સામાન્ય પણે આવા પ્રકારની સર્જરી અંદાજીત 8 થી 10 લાખના ખર્ચે થતી હોય છે. પરંતુ યુ.એન. મહેતા હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ(RBSK) અંતર્ગત સમગ્ર સર્જરી નિ:શુલ્ક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...