આયોજન:કષ્ટભંજન દેવની પંચધાતુની 54 ફૂટ ઊંચી મૂર્તિ બે વર્ષમાં સાળંગપુર મંદિરમાં મુકાશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 કરોડના ખર્ચે મૂર્તિ તૈયાર કરાશે, 1 હજાર વર્ષ સુધી ભૂકંપથી માંડી કોઇ પણ સ્થિતિમાં નુકસાન નહીં થાય
  • સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડથી નિર્માણ કરાશે

સાળંગપુર મંદિર પરિસરમાં 6 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિની સ્થાપના કરાશે. પંચધાતુની આ મૂર્તિ 24 ફૂટ પહોળી અને 10 ફૂટ વ્યાસ ધરાવતી હશે. સંત ડો. સંતવલ્લભ સ્વામીજીના જણાવ્યા અનુસાર, આ મૂર્તિની સ્થાપના જમીનમાં મજબૂત પાયો નાખી પંચધાતુથી કરાશે. 100 જેટલા શિલ્પીઓ દ્વારા તૈયાર થનાર આ મૂર્તિને 1000 વર્ષ સુધી કોઈ નુકશાન ન થાય તે રીતે તૈયાર કરાશે. આ પંચધાતુવાળી મૂર્તિમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે. મૂર્તિ તૈયાર કરતા પહેલા પંચ ધાતુને મિક્સ કરી તેની મજબૂતાઈ માટે લેબ ટેસ્ટ કર્યા બાદ જ તેને મૂર્તિ નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. મૂર્તિનું નિર્માણ હરિપ્રકાશદાસજી સ્વામીના સંકલ્પથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીની દેખરેખમાં થઈ રહ્યું છે.

શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે યાત્રી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી 1000 રૂમ તથા વિશાળ હોલની સુવિધા સાથે ગુજરાતનું પ્રથમ ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવનનું ખાતમુહૂર્ત 3 ઓગસ્ટે સંપન્ન થયું હતું. આ પ્રસંગે લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના 56મા જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં 300થી વધુ સંતો હાજર રહ્યા હતા.

મૂર્તિની વિશેષતાઓ

  • મૂર્તિની ઉંચાઈ - 54 ફૂટ, પહોળાઈ - 24 ફૂટ અને જાડાઈ 10 ફૂટ
  • ગદાની ઊંચાઈ 24 ફૂટ અને પહોળાઈ 13 ફૂટ
  • મૂર્તિનો ખર્ચ 6 કરોડ રૂપિયા,
  • મૂર્તિને 10 ભાગમાં બનાવાશે
  • મૂર્તિ બનાવવા માટે 100 જેટલા શિલ્પીઓ કામ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...