આ વર્ષે ચોપડા પૂજન થશે મોંઘું:કાગળના ભાવમાં 40 ટકા વધારો થતા ચોપડા મોંઘા થયા, આખા રોજમેળના ભાવ 450થી વધીને 600 થયા

અમદાવાદએક મહિનો પહેલા

દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે છે.દર વર્ષે ચોપડા પૂજન માટે વેપારીઓ નવા ચોપડાની ખરીદી કરે છે ત્યારે આ વર્ષે કાગળના ભાવમાં વધારો થતા વેપારીઓ માટે ચોપડા પૂજન મોંઘું થશે. આ વર્ષે ચોપડાના ભાવમાં 40 ટકા જેટલો ભાવ વધારો થયો છે. જો કે આમ છતાં બજારમાં ચોપડાની ખરીદી ખૂબ જ સારા પ્રમાણમાં થઈ છે.

5000 જેટલા કારીગર બનાવી રહ્યા છે ચોપડા
અમદાવાદમાં ગાંધી રોડ પાસે મોટું સ્ટેશનરી બજાર આવેલું છે. આ બજારમાં 300થી વધુ દુકાનો આવેલી છે. દિવાળીને લઈને તમામ દુકાનોમાં ચોપડા, રોજમેળ, ખાતાવહી સહિતનું વેચાણ કરવામાં આવે છે. આ બજારમાં 5000 જેટલા કારીગર ચોપડા બનાવવાનું કામ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીને લઈને મોટી સંખ્યામાં ચોપડા બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે કાગળ અને રો મટીરીયલના ભાવમાં વધારો થતાં ચોપડાના ભાવમાં વધારો થયો છે. અગાઉ 200 રૂપિયામાં મળતા રોજમેળનો ભાવ વધીને 250 થયો છે જ્યારે અડધીયાનો ભાવ 300 ચાલી રહ્યો છે. આ ઉપરાંત આખા રોજમેળ 450 સુધી મળતા હતા તેનો ભાવ 600એ પહોંચ્યો છે.

અગાઉ ક્યારેય કાગળના ભાવમાં આટલો વધારો થયો નથી
આ અંગે ગુજરાત બુક સેલર્સ એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, ચોપડાના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. પરંતુ વેપારીઓ ખરીદી અવશ્ય કરી રહ્યા છે. અગાઉ ક્યારેય કાગળમાં આટલો ભાવ વધારો નથી થયો. બજારમાં થોડા ચોપડાનું ઉત્પાદન ઓછું થયુ છે પરંતુ સિઝન સારી છે.

અન્ય સમાચારો પણ છે...