અમદાવાદની ચાર વર્ષની હેનિશાની ઉંમર હજુ તો રમવાની છે, પરંતુ આ ઉંમરમાં તેણે મોટી સિદ્ધિ મેળવી છે. હેનિશાએ ટૂંક સમયમાં ઝડપથી શિવતાંડવ સ્ત્રોત ગાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. માત્ર બે મિનિટ અને 40 સેકન્ડમાં શિવતાંડવ પૂર્ણ કરવા બદલ તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ આ રેકોર્ડ 4 મિનિટના સમયમાં પૂર્ણ કરવાનો હતો. ઝડપથી અને ટૂંકા સમયમાં શિવતાંડવ સ્ત્રોત પૂર્ણ કરવા બદલ તેને સર્ટિફિકેટ અને મેડલ થકી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. હેનિશાની આ સિદ્ધિથી પરિવાર અને તેની સ્કૂલ ગર્વ અનુભવી રહ્યાં છે.
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં રહેતા વૈદ્ય પરિવારની હેનિશા નામની દીકરીની ઉંમર ભલે સાડાચાર વર્ષ હોય, પરંતુ તેનું કામ મોટું છે. સંસ્કૃતના શ્લોક અને મંત્રો યાદ રાખવા ભલભલા માટે મુશ્કેલ છે. માત્ર એટલું જ નહીં, તેના સાચા ઉચ્ચાર કરવા પણ અઘરું કામ હોય છે. ત્યારે આ દીકરી આટલી નાની ઉંમરે સડસડાટ શિવતાંડવ સ્ત્રોત સહિત વિવિધ પ્રકારના મંત્રો અને શ્લોક બોલી શકે છે.
સવારમાં પિતા સાથે કરે છે પૂજા-પાઠઃ પિતા
હેનિશાના પિતા ચિન્મય વૈદ્યએ જણાવ્યું હતું કે 'તેમના ઘરે રોજ સવારે શિવકથાનું શ્રવણ થાય છે. ટીવીમાં શિવકથા ઉપરાંત શિવતાંડવ સ્ત્રોત અને વિવિધ મંત્રો શ્લોકો ચાલતા હોય ત્યારે તે જુએ છે અને સાંભળે છે, જેના પરથી તે આ શ્લોક અને મંત્રો શીખી છે. ઉપરાંત તેઓ સવારના સમયે પૂજા કરે છે, ત્યારે તેમની સાથે તે બેસી જાય છે અને તે પણ ભગવાનની પૂજા કરે છે. પૂજામાં મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર પણ બોલે છે.
દરરોજ દીકરીને મંત્રો બોલવાની પ્રેક્ટિસ કરાવતીઃ માતા
હેનિશાના માતા શ્રદ્ધા વૈદ્યે જણાવ્યું હતું કે દરરોજ દીકરીને વિવિધ પ્રકારના મંત્રો બોલવાની પ્રેક્ટિસ કરાવતી હતી. અગાઉ ટૂંકા સમયમાં શિવતાંડવ સ્ત્રોત ગાવાનો રેકોર્ડ ચાર મિનિટનો હતો, પરંતુ મારી દીકરી એ સમય કરતાં પણ ઓછા સમયમાં બોલી શકતી હતી, જેથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એપ્લાય કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.