સત્રાંત પરીક્ષા:ઓનલાઈન શિક્ષણની અસરથી સત્ર પરીક્ષાના પરિણામમાં 20 ટકા ઘટાડો; કોરોના પછી પહેલીવાર ઓફલાઈન પરીક્ષા લેવાઈ હતી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લખવાની પ્રેક્ટિસ છૂટી જતાં વિદ્યાર્થીઓ પેપર પણ પૂરું લખી શકતા ન હતા

સ્કૂલોમાં યોજાયેલી સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ ઘટ્યું હોવાનું સ્કૂલ સંચાલકો દાવો કરી રહ્યાં છે. પહેલીવાર ધો.6થી12માં યોજાયેલી ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીના પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે. સંચાલકોના મતે, ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકો સમજી ન શકતા હોવાથી પરીક્ષામાં માત્ર વાંચેલા જ્ઞાનને તેઓ પેપર ઉતારી ન શક્યા. જેના કારણે બાળકોના પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાને કારણે સ્કૂલોમાં ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હતું. પરીક્ષા ઓનલાઇન જ લેવાતી હતી. પરંતુ કોરોનાના કેસની સંખ્યા ઘટતા હવે પહેલીવાર સ્કૂલોમાં ઓફલાઇન પરીક્ષા લેવાઇ હતી. સત્રાંત પરીક્ષાની શરૂઆતથી જ બાળકોને સતત બેથી ત્રણ કલાક બેસી રહેવાનો અને નક્કી કરેલી સમય મર્યાદામાં પેપર પૂરા થતાં ન હોવાનું જોવા મળ્યું હતું. હવે સ્કૂલોમાં પેપર તપાસની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે ત્યારે આચાર્ય અને સ્કૂલ સંચાલકોનું સ્પષ્ટ માનવું છે કે આગળના વર્ષો કરતા અને ઓનલાઇન પરીક્ષા કરતા આ પરીક્ષાના પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓનું સરેરાશ 20 ટકા સુધીનું પરિણામ ઘટ્યું છે.

ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે
ઓનલાઇન શિક્ષણ બાદ પહેલીવાર ઓફલાઇન પરીક્ષા લેવાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઘટ્યું છે. ઓનલાઇન એજ્યુકેશનની અસર હવે બાળકોના પેપરમાં જોવા મળી રહી છે. ઓછા પરિણામ માટે ઘણા કારણો જવાબદાર છે. - ડો. પ્રતિક્ષા પરીખ, પ્રિન્સિપાલ- ત્રિપદા સ્કૂલ

ભ‌વિષ્ય માટે પડકાર ઝીલવો પડશે
પહેલીવાર લેવાયેલી ઓફલાઇન પરીક્ષામાં દરેક સંચાલકો માટે આ ચોંકાવનારી બાબત છે. બાળકોને ઓનલાઇન એજ્યુકેશનમાં કેટલું આવડ્યું અને શીખ્યા તેની કસોટી થઈ છે. આવનારા સત્રમાં વિદ્યાર્થીઓને ઓફલાઇન એજ્યુકેશનમાં સારી રીતે સમજાય તે રીતે વ્યવસ્થા ઉભી કરવી દરેક સંચાલકો માટે ચેલેંજ રહેશે. - બિપીન આદ્રોજા, સંચાલક - સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...