17 વર્ષની સગીરાની માતાના નિધન બાદ પિતા દારૂના રવાડે ચઢી જતા સગીરાના ભવિષ્યની ચિંતા કરી માસી પોતાન પતિ-સાસરિયાં સાથે લડીને પણ સગીરાને પોતાના ઘરે લાવીને તેેનો અભ્યાસ શરૂ કરાવ્યો હતો. જો કે ભણવાને બદલે સગીરા મોબાઈલમાં 28 જેટલાં યુવકો સાથે વાતો કરતી રહેતી, ને બે યુવકોને તો તેણે લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. સમગ્ર મામલાની જાણ માસીને થતા તેમણે અભયમની મદદ લઇ, કાઉન્સેલિંગ કરાવી મામલો થાળે પાડ્યો હતો.
સગીરા મોબાઈલમાં 28 જેટલાં યુવકો સાથે વાતો કરતી
મણિનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પોતાની માસીના ઘરે રહીને ભણે છે. સગીરાની માતા બે વર્ષ પહેલાં બીમારીથી મૃત્યુ પામી હતી અને પિતા દારૂ પીને રસ્તા પર જ રહેતા હતા. એક વર્ષ પહેલા સગીરા તેની સહેલીઓના સંપર્કમાં આવ્યા બાદ જુદા જુદા યુવકો સાથે મોબાઈલ પર વાતો કરતી હતી. એક દિવસ માસીએ મોબાઈલ ચેક કરતાં 28 જેટલાં યુવકો સાથે વાતો કરતી હોવાનું તેમજ બે યુવકોને લગ્નની લાલચ આપતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
માસીએ ઝઘડો કરીને ભાણીને ઘરે રાખી હતી
માસીએ બીજા લગ્ન કર્યા ત્યારે પતિ પાસે પહેલાની પત્નીનો દીકરો સાથે રહેતો હતો. જેથી સગીરાને રાખવા માટે પતિ-સાસરિયાં તૈયાર નહોતા. પરંતુ માસીએ તેના પતિ-સાસરિયાં સાથે લડીને ય સગીરાને પોતાના ઘેર દીકરીની જેમ રાખી હતી. પતિ-સાસરિયાંએ જ્યારે સગીરાની હરકતો જાણી ત્યારે તેઓ માસીને મેણાં મારી ત્રાસ આપવા લાગ્યા હતા.
બે યુવકને લગ્નની લાલચ આપતા ભાંડો ફૂટ્યો
બે યુવકો સગીરાના ઘર પાસે સતત આંટા મારતા હતા. જેથી માસીને શંકા જતા તેમણે સગીરાની પૂછપરછ કરતાં સગીરાએ કોઇને ન ઓળખતી હોવાનો ઢોંગ કર્યો હતો. જેથી માસીએ સગીરાનો મોબાઈલ ચેક કરતાં તે 28 જેટલા યુવકો સાથે પ્રેમભરી વાતો કરતી અને બે યુવકોને લગ્ન કરવાની લાલચ આપી હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.