ટીનએજરો દ્વારા ક્રૂર હત્યા:અમદાવાદમાં માતા અને પોતાના પર થયેલા અત્યાચારનો બદલો લેવા 14 વર્ષના કિશોરે 5 મિત્રો સાથે મળી માના પ્રેમીની ઠંડા કલેજે હત્યા કરી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવકની તસવીર - Divya Bhaskar
મૃતક યુવકની તસવીર
  • અમદાવાદમાં કેલિકો મિલ કમ્પાઉન્ડ એક યુવકની અસંખ્ય છરીના ઘા મારી થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો.
  • યુવકની પ્રેમિકાના 14 વર્ષના દીકરાએ રોજે રોજના અત્યાચારથી કંટાળી કંપાવનારી રીતે હત્યા કરી.
  • માતા અને પોતાના પર થયેલા અત્યાચારનો બદલો લેવા છોકરાએ અતિ ક્રૂર હત્યાને અંજામ આપ્યો.
  • 14 વર્ષના છોકરાએ 5 મિત્રો સાથે પ્લાન બનાવી યુવકને હત્યા સ્થળે બોલાવ્યો હતો.

મોટા શહેરમાં બાળકો હવે નાના મોટા ગુનાથી આગળ વધીને અત્યંત ક્રૂર ગુના કરવા લાગ્યા છે.જેમાં એકલ દોકલ નહીં પણ આખું ટીનેજનું ગ્રૂપ ગુનામાં સામેલ થઈને ગુનાને અંજામ આપતા થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એક મહિલા 10 વર્ષ પહેલાં તેના બે બાળકો સાથે ઘરેથી પ્રેમી સાથે જતી રહી હતી.બાળક નાનું હતું પણ ધીમે ધીમે ખબર પડી કે તેં વ્યક્તિ તેનો પિતા નથી અને પછી બાળકના મનમાં વિચાર આવ્યો કે જે વ્યક્તિ મને અને મારી માં પર અત્યાચાર કરે છે તેને રસ્તામાંથી હટાવી દેવો જોઈએ. આખરે 6 ટીનેજ બાળકોએ ભેગા મળીને તેને પતાવી દિધો હતો.

માતા સાથે રહેતા પ્રેમીની 14 વર્ષના છોકરાએ હત્યા કરી
આ સત્ય ઘટના અમદાવાદ શહેરની છે, અમદાવાદના કેલિકો મિલ કમ્પાઉન્ડ એક યુવકની અસંખ્ય છરીના ઘા ઝિંકી અને પથ્થરથી છુંદેલી લાશ મળી આવી હતી. યુવકની હત્યા એટલી ઘાતકી હતી કે એક નજરે જોતા કોઈને પણ અરેરાટી થઈ જાય અને એટલા બધા શરીર પર ઇજ હતી કે કોઈએ નિર્દયતાથી ભેગા થયેલા લોકોએ માર્યો હોવાની શંકા પોલીસને થઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરતી હતી ત્યારે પોલીસને એક કડી મળી અને તેના આધારે પોલીસ એક 14 વર્ષના લબરમુછીયા પાસે પહોંચી અને પોલીસને આખી કડી મળવા લાગી હતી.પણ આ હત્યા કોઈ ત્વરિત ગુસ્સાને કારણે નહીં પણ નાનપણથી બાળકના માનસમાં છુપાયેલી ડર, અત્યાચાર અને માર જેવા કારણો જવાબદાર હતા.

10 વર્ષ પહેલા મહિલા દીકરાને લઈને પ્રેમી સાથે ભાગી ગઈ હતી
આ વાત એક ચાર વર્ષના નાના બાળકથી શરૂ થઈને 14 વર્ષ સુધી પહોંચેલા બાળકની છે. જેને ક્યારેય પ્રેમ જોયો નથી તે પોતાની સાથે કે માતા સાથે થયેલા અત્યાચાર જ જીવન સમજ્યો હતો. રેહાન (નામ બદલ્યું છે.) ચાર વર્ષનો હતો ત્યારે તેની માતા રેશમા (નામ બદલ્યું છે )ને મહંમદરફીક રિયાઝ પઠાણ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો અને રેશમા રેહાનને સાથે લઈને તેનાં પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. રેહાનને ખબર નહોતી કે તે જે યુવક સાથે રહે છે તે તેનો પિતા છે પણ મોટા થતા તેના અન્ય મિત્રો સાથે વાત કરતો ત્યારે ખબર પડતી કે પિતા બાળકને પ્રેમ કરતા હોય પણ તે વ્યક્તિ રેહાનને દીકરાની જેમ રાખતો ન હતો.

બાળપણથી પિતાના પ્રેમને બદલે મારજૂડ મળી
રોજ રોજ બાળ માનસ પર તેની અસર થવા લાગી. અને રેહાન બીજા મિત્રોને પોતાની સાથે સરખાવતો હતો. રેહાનને રોજ તેની સાથે રહેતો વ્યક્તિ માર મારતો હતો. એટલું જ નહીં તેની માતા પર પણ અત્યાચાર કરતો બધાની હાજરીમાં તેને માર મારતો હતો. હવે રેહાન 14 વર્ષનો થઈ ગયો હતો. તેના મનમાં પોતાના પ્રત્યે ધૃણા અને અત્યાચાર કરનાર વ્યક્તિ સામે બદલો લેવાનો ભાવ હતો. રેહાન રોજ તેના મિત્રો સાથે બેસતો અને કહેતો કે હવે આ બધું સહન નથી કરવું અને આ બધામાં તેના મિત્રો સાથ આપતા ગયા. એક દિવસ રેહાન અને તેના મિત્રોએ નાની ઉંમરમાં જ ગુના કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

સગીરે 5 મિત્રો સાથે મળીને યુવકની ક્રૂર હત્યા કરી
રેહાને પહેલાથી તેના પર અત્યાચાર કરનાર વ્યક્તિને સબક શીખવાડવા માટે જગ્યા અને હથિયાર ભેગા કર્યા હતા. જેના આધારે તે મૃતક મહંમદરફીક રિયાઝ પઠાણ ત્યાં પહોંચ્યો અને જેવો વ્યક્તિ ત્યાં પહોંચ્યો તેના પર હથિયાર વડે તૂટી પડ્યા હતા. તેના પર સતત હથિયારોના ઘા જિંકતા તે ત્યાં જ પડી ગયો અને લોહીલુહાણ થઈ ગયો હતો. આટલું ઓછું હતું ત્યાં બધા મિત્રો ભેગા થઈને યુવક પર પથ્થર મારીને છુંદી નાખ્યો હતો અને જ્યાં સુધી તેમને ખરાઈ ન થઇ ત્યાં સુધી મારતા રહ્યા હતા.

આ સમગ્ર ઘાતકી હત્યા અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં હત્યા કરનાર બાળકને પકડી લીધો છે. જેના મૂળમાં રહેલું કારણ અને બાળમાનસને થયેલી અસરથી બાળક ગુનો કરવા તરફ દોરાયું હોવાનું પોલીસ માની રહી છે.