લૂંટ:કોમર્સ છ રસ્તા પાસે આંગડિયા પેઢીમાંથી પૈસા ઉપાડીને જતા યુવકના 9.99 લાખ લૂંટાયા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સ છ રસ્તા પાસે 2 લુટારુએ યુવકને ઉભો રાખ્યો હતો
  • યુવકને ડરાવીને પૈસા ભરેલી કપડાની થેલી લૂંટી ગયા હતા

મુંબઈથી આવેલા યુવકને બાઈક સવાર 2 લુટારુઓએ આંતરી, ધાક-ધમકી આપીને એક્ટિવાની ડેકીમાં મુકીને ઘરે જઈ રહેલા રૂ.9.99 લાખ લૂંટી લીધા હતા. યુવકને મકાન ખરીદવાનું હોવાથી સગાં પાસેથી મુંબઈથી પૈસા મગાવ્યા હતા.

પાલડી અસારી એવન્યુમાં રહેતા અપૂર્વ ચંદુલાલ શાહ(39)નવરંગપુરા સીજી રોડ પરના દ્વારકેશ બિલ્ડિંગમાં શ્યામસુંદર ગોપાલદાસ નામની રેમન્ડની એજન્સીમાં સેલ્સ મેનેજર છે. અપૂર્વભાઈને મકાન ખરીદવા માટે પૈસાની જરુર હોવાથી મુંબઈથી સગાં પાસેથી રૂ.10 લાખ મગાવ્યા હતા. દરમિયાન, ઈસ્કોન આર્કેડમાં આવેલી પી.એમ.એન્ટર પ્રાઈઝ આંગડિયા પેઢીમાંથી 26 ઓક્ટોબરે તેમના પર ફોન આવ્યો હતો. જેમાં પેઢીવાળાએ અપૂર્વભાઈના રૂ.10 લાખ મુંબઇથી આવ્યા હોઇ, તે પૈસા લઈ જવા કહ્યું હતું. જેથી પેઢીવાળાએ રૂ.1 હજાર કમિશન બાદ કરીને રૂ.9,99,000 અપૂર્વભાઈને આપ્યા હતા. તે પૈસા કપડાની થેલીમાં મુકીને તે થેલી એક્ટિવાની ડેકીમાં મુકીને કોમર્સ છ રસ્તા પાસે આવ્યા હતા. ત્યારે પાછળથી બાઈક પર આવેલા 2 લુટારુએ અપૂર્વભાઈના એક્ટિવાને આંતરીને, ડરાવી-ધમકાવીને એક્ટિવાની ડેકી ખોલાવી પૈસાની થેલી લૂંટીને ભાગી ગયા હતા.

આ અંગે અપૂર્વભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

આંગડિયા પેઢીની બહારથી લુટારુ પીછો કરતા હતા
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા બંને લુટારુ આંગડિયા પેઢીની બહારથી જ અપૂર્વનો પીછો કરતા હોવાનું જાણવા મળ્યું હતુ. સીસીટીવીમાં સ્પષ્ટ થયેલી બંને લૂંટારુની તસ્વીર અને બાઈકના નંબરના આધારે પોલીસે છારાનગરના એક લુટારુને ઝડપી લીધો હતો.

આરોપી પકડાયા બાદ પોલીસે ફરિયાદ નોંધી
​​​​​​​શરુમાં પોલીસે શંકાના આધારે તેમની તપાસ શરુ કરી હતી. જો કે ક્રાઈમ બ્રાંચે 2 લૂંટારુમાંથી એકને ઝડપી લીધા પછી પોલીસે અપૂર્વની ફરિયાદ નોંધી હતી. જો કે હજુ બીજા લુટારુને પકડવાનો અને પૈસા કબજે કરવાના બાકી હોવાથી પોલીસે તે દિશામાં તપાસ આદરી છે. બંને આરોપી છારાનગરના હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...