શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા 48 કેસ નોંધાયા છે. 97 દિવસ પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. જૂનના એક અઠવાડિયામાં 262 કેસ નોંધાતા મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત કરવા વિચારણા શરૂ કરાઈ છે.
મ્યુનિ.એ બુધવારથી ગીતા મંદિર એસટી સ્ટેન્ડ અને કાલુપુર ખાતે ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે. પ્રથમ દિવસે 74 લોકોના ટેસ્ટ કર્યા હતા. જેમના રિપોર્ટ 24 કલાક બાદ આવશે. આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ કહ્યું કે, વધતા જતા કેસને ધ્યાને રાખી હાલ બે સ્થળ પર ટેસ્ટિંગ ડોમની વ્યવસ્થા કરી છે. કેસ વધશે તો શહેરમાં ડોમની સંખ્યા પણ ચોક્કસથી વધશે અને ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે.
તકેદારીના ભાગરૂપે મ્યુનિ. સંચાલિત એસવીપી, એલ.જી. શારદાબેન સહિતની હોસ્પિટલમાં આવતા અઠવાડિયાથી માસ્ક ફરજિયાત કરવા મ્યુનિ.માં વિચારણા શરૂ થઈ છે. કોરોનાના દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાય તો હાલ એસવીપીમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરી છે. પહેલી અને બીજી લહેરની જેમ કોરોના વિસ્ફોટ થાય તો અન્ય મ્યુનિ. હોસ્પિટલોમાં કોરોના વોર્ડ ઊભા કરવાનું પ્લાનિંગ ચાલે છે.
રહેવા દો ને... ના મારે કોરોનાનો કોઈ ટેસ્ટ કરાવવો નથી
કાલુપુર સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ માટે ફરીથી બૂથ શરૂ કરાયું છે. બુધવારે હેલ્થ કર્મીઓએ ટેસ્ટિંગ માટે રીતસર લોકોને બોલાવવા પડ્યા હતા. એક પેસેન્જરે કહ્યું કે, ના મારે કોઈ ટેસ્ટ કરાવવો નથી.
ટેસ્ટ માટે બૂમો પાડવી પડી
સ્ટેશન બહારથી આવતા લોકોને ટેસ્ટ કરાવવા માટે રીતસરની બૂમો પાડવી પડી હતી.
પકડદાવઃ ST સ્ટેન્ડે અધિકારીએ ટેસ્ટ માટે યુવકને બળજબરીથી પકડતા ભાગ્યો
સંક્રમણ વધતાં બે સ્થળે ફરીથી ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. એસટી સ્ટેન્ડ પર તો ટેસ્ટિંગ માટે અધિકારીએ એક યુવકને બળજબરીથી પકડી લીધો હતો. જો કે આ યુવક હાથ છોડાવી ભાગી ગયો હતો. ફોટો : ધવલ ભરવાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.