બાળકોને ઓરી:કોરોના દરમિયાન રસી મૂકવાનું બંધ કર્યું હોવાથી ઓરીના કેસમાં 900%નો વધારો, 5 હજાર બાળકોને રસી ન મુકાઈ હોવાનો સરવે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિને 10 કેસના બદલે 100-100 કેસ નોંધાતા કેન્દ્રીય ટીમ અમદાવાદ દોડી આવી, 450 સેમ્પલમાંથી 270 બાળકોને ઓરી

અમદાવાદમાં અચાનક બાળકોમાં ઓરીનો પ્રકોપ શરૂ થતાં દિલ્હીથી 3 સભ્યોની ટીમ અમદાવાદ આવી રહી છે. દેશના જે ત્રણ શહેરમાં ઓરીના વધ્યા છે તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. હાલમાં અમદાવાદના દાણીલીમડા, બહેરામપુરા અને ગોમતીપુરમાં સૌથી વધુ કેસ મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પશ્ચિમના વિસ્તારોમાં પણ ઓરીના છૂટાછવાયા કેસ નોંધાયા છે.

નવેમ્બર મહિનાના 20 દિવસમાં ઓરીના 90 કેસ નોંધાયા છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ 100 કેસ નોંધાયા હતા. અઢી મહિનામાં કેસનો આંક 270ને પાર કરી ગયો છે. સામાન્ય સંજોગોમાં દર મહિને ઓરીના માંડ 10 કેસ નોંધાયા છે તેના બદલે 100-100 કેસ નોંધાયા મ્યુનિ. કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. સરવે તેમજ વેક્સિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

તાજેતરમાં મ્યુનિ.એ કરેલા સરવે મુજબ શહેરમાં 5 હજારથી વધુ બાળકો એવા છે જેમણે ઓરીની રસી મુકાવી નથી. આ પાછળનું કારણ કોરોના હોવાનું માનવામાં આવે છે. કોરોનાને કારણે અન્ય રસીકરણ ઝુંબેશ બંધ થઈ ગઈ હતી. જેથી ઓરીની રસી પણ આપવામાં આવી ન હતી. તો કેટલાક કિસ્સામાં લોકો શહેર છોડી જતા રહ્યા હોવાને કારણે રસી મુકાવવા આવ્યા નહીં હોવાનું મ્યુનિ. અધિકારીઓનું કહેવું છે. બીજી તરફ મ્યુનિ.એ ટેસ્ટિંગની કામગીરી પણ વધારી છે. છેલ્લા 2 મહિનામાં 450 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 270ને ઓરી હોવાનું સ્પષ્ટ થયું હતું. દરેક આંગણવાડી પર ઓરીની રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

અઠવાડિયામાં 3 દિવસ વેક્સિનેશન શરૂ કરાયું
કેસની સંખ્યામાં વધારો થતાં મ્યુનિ.એ અઠવાડિયામાં 3 દિવસ સોમ, બુધ અને શુક્રવારે દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે વેક્સિનેશન શરૂ કર્યું છે. બીજી તરફ મ્યુનિ. દ્વારા ફોન કરીને પણ જે બાળકોએ રસી ન લીધી હોય તેમને રસી મુકાવવા જાણ કરવામાં આવે છે. જે હોટસ્પોટવાળા વિસ્તારમાં ઘરે ઘરે જઈને સરવે શરૂ કરવામાં આવ્યો છે.

પશ્ચિમમાં છૂટાછવાયા કેસ, પૂર્વના દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર હોટસ્પોટ

તાવ, લાલ ફોલ્લી ઓરીના મુખ્ય લક્ષણ
ઊંચો તાવ , વધુ પડતી ઉધરસ {ત્વચા પર લાલ ફોલ્લીઓ, લાલ આંખો, ખૂબ થાકી જવું, વહેતું નાક, સૂકું ગળું ,સ્નાયુઓમાં દુખાવો, મોઢામાં અગવડતા, આંખે ઝાંખું દેખાવું

ચેપ પછી 7થી 14 દિવસમાં લક્ષણ દેખાય છે
ઓરી એક વાઈરલ ચેપ છે, ત્વચા પર લાલ ફોલ્લીઓ અને નાના બાળકોમાં વહેતું નાકનું કારણ બને છે. આ રોગ વાયરસથી થાય છે અને ચેપગ્રસ્ત બાળકથી અન્ય બાળકોમાં ઝડપથી ફેલાય છે. તેનાથી ચેપ લાગ્યા બાદ 7થી 14 દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. નાના બાળકો આ ચેપની પકડમાં ઝડપી આવે છે. પરંતુ નબળા રોગપ્રતિકારક શક્તિવાળા પુખ્ત વયના લોકો પણ ઓરીનો શિકાર બની શકે છે. ખાસ કરીને ટીબી કે અન્ય એલર્જીથી પીડિત લોકોએ સાવચેત રહેવું જોઈએ.

શરદી અને ખાંસીના ડ્રોપલેટથી એકબીજા બાળકમાં ચેપ ફેલાય છે
ઠંડી-ગરમીની સિઝનને કારણે શહેરના કેટલાંક વિસ્તારમાં ઓરીના કેસ જોવા મળી રહ્યાં છે. ઓરીમાં બાળકના મોંઢાથી લઇને આખા શરીર પર નાના દાણા થાય છે. શરદી-ખાંસી ઉધરસના ડ્રોપ્લેટથી એકથી બીજા બાળકમાં ઝડપથી ફેલાય છે, તેમજ સખત, તાવ અને ન્યુમોનિયા જેવા કોમ્પલિકેશન થતાં હોય છે. મોટેભાગે બાળકોને 9 મહિને ઓરીની (એમઆર) વેક્સિન અપાતી હોય છે, પણ ઘરમાં કોઇ બાળકને ઓરી થયો હોય તો 6થી 7 મહિને પણ બાળકને એમઆર વેક્સિન અપાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...