એરપોર્ટ ધમધમતું રહ્યું:અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં 900 ચાર્ટર્ડ પ્લેનની ઉડાઉડ રહી, 12 ડિસેમ્બરની તૈયારીમાં ઓથોરિટી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. ખુદ વડાપ્રધાન સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો, જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રવક્તાઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. આ તમામ રાજકીય અગ્રણીઓ ચાર્ટર્ડ પ્લેન અને ચોપરમાં આવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ છેલ્લા એક મહિનાથી ધમધમતું થઇ ગયું હતું. છેલ્લા એક મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર 900થી વધુ ચાર્ટર્ડ પ્લેન અને ચોપર ઓપરેટ થયા હતા. અન્ય મુસાફરોને કોઇ તકલીફ ન થાય તેની પણ તકેદારી લેવામાં આવી હોવાના એરપોર્ટના હોદ્દેદારો દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. પરિણામ બાદ નવી સરકારની શપથવિધિમાં પણ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ આ‌વવાની સંભાવનાને લઇને એરપોર્ટની ટીમ તૈયારીઓમાં લાગી ગઇ છે.

બે તબક્કામાં ચૂંટણીના પ્રચાર કરાયો
ગુજરાતની ગાદી મેળવવા તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બે તબક્કામાં થયેલી ચૂંટણીમાં દરેક બેઠકો પર ચૂંટણી સભા, રોડ શો અને રેલીઓના આયોજન કરવામાં આવ્યા હતા. અગ્રણી દ્વારા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જુદા જુદા સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠકો ગોઠવવામાં આવી હતી. જેને માટે સત્તાધારી પક્ષના તમામ કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને અગ્રણીઓના ગુજરાતમાં ધામા હતા.

રોજ સરેરાશ 30 ચાર્ટર્ડ પ્લેન-ચોપાર આવતા
વિરોધ પક્ષ અને અન્ય રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય અને ક્ષેત્રિય નેતાઓ પણ વારંવાર ગુજરાત આવ્યા હતા. આ પૈકીના મોટા ભાગના અગ્રણીઓ ચાર્ટર્ડ પ્લેનમાં કે ચોપરમાં જ અમદાવાદ આવતા હોવાથી છેલ્લા એક મહિના દરમિયાન અમદાવાદમાં રોજના 30 ચાર્ટર્ડ પ્લેન-ચોપાર આવતા હોવાથી લગભગ 900થી વધુ ચાર્ટર્ડ પ્લેન અને ચોપર અમદાવાદમાં ઓપરેટ થયા હતા. વડાપ્રધાનના એરફોર્સના વિમાન સહિત મોટી સખ્યામાં ચાર્ટર્ડ પ્લેનના આવાગમનને લઇને અમદાવાદ એરપોર્ટ સ્ટાફ વ્યસ્ત રહ્યો હતો.

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને કારણે પણ ધસારો
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઇ રહી છે. તેમાં ભાગ લેવા દુનિયાભરમાંથી ભક્તો અમદાવાદ ઉમટી રહ્યા છે. આગામી દિવસોમાં શરૂ થઇ રહેલા મહોત્સવ માટે ઘણા ભક્તો સેવાનો લાભ લેવા માટે વિદેશી આવી ગયા છે. જે પૈકીના કેટલાક ભક્તો મુંબઇ કે દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવ્યા હતા.

એરપોર્ટ પર હવે ઇ સ્કૂટર ઓપરેટ થશે
એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વારંવાર અવરજવર કરવી પડતી હોય છે. આ માટે તેઓ નોર્મલ સ્કૂટર કે બાઇકનો ઉપયોગ કરતા હોય છે. હવે પ્રદૂષણ અટકે તે માટે એરપોર્ટ પર વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગ રૂપે એરપોર્ટ પર ઇલેક્ટ્રિક સ્કૂટર મૂકવામાં આવ્યા છે. હવે સ્ટાફ કે સુરક્ષાકર્મીઓ એરપોર્ટ પર ઇ સ્કૂટરનો ઉપયોગ કરશે.

અન્ય સમાચારો પણ છે...