વાઈબ્રન્ટ સમિટની તૈયારી:એરપોર્ટ પર ચાર્ટર્ડ એરક્રાફ્ટ માટે 9 પાર્કિંગ પ્લોટ વધારાયા, હવે 43 એરક્રાફ્ટ પાર્ક થઈ શકશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • અગાઉ 34 એરક્રાફ્ટ પાર્ક થઈ શકતાં હતાં, ઈન્ટરનેશનલ ટર્મિનલ પાસેનો પ્લોટ ડેવલપ કરવામાં આવ્યો

ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ સમિટનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે. જેમાં વિદેશની અનેક નેશનલ-મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ, એમડી સહિતના અગ્રણી મોટી સંખ્યામાં પર્સનલ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં અમદાવાદ આવનાર છે. મહાનુભાવોના ચાર્ટર્ડ એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરી શકાય તે માટે એરપોર્ટનું સંચાલન કરતી કંપનીએ પાર્કિંગ સુવિધા વધારી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર 34 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરવાની સુવિધા હતી. જેમાં વધુ 9 પ્લોટ વધારાતા હવે અમદાવાદ એરપોર્ટ પર 43 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.

એરપોર્ટ સૂત્રો મુજબ, ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા મોટી સંખ્યામાં અગ્રણીઓ અમદાવાદ આવે છે. જેમાં અનેક ડેલિગેટ્સ શિડ્યુલ્ડ ફ્લાઈટમાં આવવાની સાથે અનેક અગ્રણીઓ ચાર્ટર્ડ એરક્રાફ્ટ લઈને આવે છે. અગાઉ પાર્કિંગ સુવિધા ઓછી હતી ત્યારે અનેક ચાર્ટર્ડ એરક્રાફ્ટને પાર્ક કરવા નજીકના અન્ય એરપોર્ટ ખાતે મોકલતા હતા.

આ વખતે એરપોર્ટ ઓપરેટર કંપનીએ ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2ની પાછળના ભાગે વધુ 9 પાર્કિંગ પ્લોટ ડેવલપ કર્યા છે, જો એકસાથે વધુ ચાર્ટર્ડ આવી જાય તો એ પરિસ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે નજીકના વડોદરા, સુરત, રાજકોટ, ઉદયપુર, જયપુર કે મુંબઈ એરપોર્ટને પણ ચાર્ટર્ડ એરક્રાફ્ટના પાર્કિંગ માટે તૈયાર રહેવાની સૂચના અપાશે.

10થી 12 જાન્યુઆરી દરમિયાન રનવે રિકાર્પેટિંગની કામગીરી બંધ રહેશે
અમદાવાદ એરપોર્ટના લગભગ 3.6 કિ.મી. લાંબા રનવેનું રિકાર્પેટિંગ કામ 3 જાન્યુઆરીથી 31 મે સુધી કરવામાં આવનાર છે. જેના પગલે આ સમય દરમિયાન એરપોર્ટ સવારે 9થી સાંજે 6 સુધી ફ્લાઈટોના સંચાલન માટે બંધ રખાશે. જો કે આ સમય દરમિયાન જ 10થી 12 જાન્યુઆરી સુધી ગુજરાત સરકાર દ્વારા ગ્લોબલ ‌વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. જેમાં દેશ-વિદેશના ડેલિગેટ્સ મોટી સંખ્યામાં ભાગ લેનાર છે. જેમાંથી અનેક મહાનુભાવો પર્સનલ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં આવશે. જો રિકાર્પેટિંગ કામગીરીને પગલે રનવે બંધ રખાય તો સમિટમાં ભાગ લેવા આ‌વતા મહાનુભાવો માટે સમસ્યા સર્જાય તેમ છે. આ પરિસ્થિતિમાં સમિટને ધ્યાને રાખીને એરપોર્ટ ઓપરેટર કંપનીએ સમિટ દરમિયાન એટલે કે 10થી 12 જાન્યુઆરી સુધી રનવેની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વધુ એક એક્સરે બેગેજ મશીન પણ ગોઠવાશે
પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા ડોમેસ્ટિક ટર્મિનલમાં વધારાનું એક એક્સરે બેગેજ મશીન અને 3 મેટલ ડિટેક્ટર લગાવાશે. આ મશીન એરપોર્ટ પર આવી ગયા છે. એક્સરે બેગેજ મશીનની સંખ્યા 6થી વધીને 7 થશે. ટર્મિનલમાં અત્યાર સુધી 11 મેટલ ડિટેક્ટર મશીનો સાથેના ગેટ હતા, જેમાં ત્રણનો વધારો થતા હવે 14 મેટલ ડિટેક્ટર મશીનો સાથે ગેટ તૈયાર થતાં પેસેન્જરોએ લાંબો સમય લાઈનમાં ઊભા નહીં રહેવું પડે

અન્ય સમાચારો પણ છે...