કોરોના ઈફેક્ટ:વર્ષ 2020-21માં મુસાફરોની અવર-જવર ઘટતાં ગુજરાતના 11માંથી 9 એરપોર્ટને 127 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌથી વધુ નુકસાન અમદાવાદ એરપોર્ટને થયું ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સૌથી વધુ નુકસાન અમદાવાદ એરપોર્ટને થયું ( ફાઈલ ફોટો)
  • અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂપિયા 94.10 કરોડનું નુકસાન થયું હતું
  • કંડલા અને પોરબંદર એરપોર્ટ ખોટ કરવાથી બચી ગયાં છે

કોરોનાકાળમાં સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું અને તેની અસર દેશની ઈકોનોમી પર પડી. સંક્રમણના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે દેશના તમામ ક્ષેત્રોને આર્થિક ફટકો પડયો છે અને તેમાં એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતના 11માંથી 9 એરપોર્ટને તોતિંગ આર્થિક નુકસાનનો સામનો કરવો પડયો છે. જેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂપિયા 94.10 કરોડનું નુકસાન થયું હતું. ગુજરાતના જે એરપોર્ટ ખોટથી બચ્યા છે તેમાં કંડલા અને પોરબંદરનો સમાવેશ થાય છે.2020-21 દરમિયાન રાજ્યના એરપોર્ટને કુલ રૂપિયા 127 કરોડથી વધુનું નુકસાન થયું છે.

અમદાવાદ એરપોર્ટને રૂપિયા 94.10 કરોડનું નુકસાન
દેશભરમાં કેટલાક એરપોર્ટ એવા છે જેઓ નાણાકીય વર્ષ દરમિયાન નફો રળવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થતો હતો. પરંતુ કોરોના વાયરસને પગલે એર ટ્રાફિક ઠપ રહેતાં અમદાવાદ એરપોર્ટને રૂપિયા 94.10 કરોડનું નુકસાન થયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે દરરોજ સરેરાશ 15 હજારથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ અઢી મહિના સુધી બંધ રહેલી ફ્લાઇટ અને અનલોક બાદ પણ મુસાફરોની અવર-જવર ઘટીને 5 હજાર થઇ ગઇ હતી.

રાજકોટ એરપોર્ટને રૂપિયા 23.49 કરોડના નુકસાનનો સામનો કરવો પડયો હતો ( ફાઈલ ફોટો)
રાજકોટ એરપોર્ટને રૂપિયા 23.49 કરોડના નુકસાનનો સામનો કરવો પડયો હતો ( ફાઈલ ફોટો)

અમદાવાદ એરપોર્ટમાં દૈનિક મુસાફરોની સંખ્યા 12 હજાર થઇ
આ વર્ષે પણ ફેબ્રુઆરીથી મે દરમિયાન મુસાફરોની સંખ્યા સાધારણ હતી. હવે કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ એરપોર્ટમાં દૈનિક મુસાફરોની સંખ્યા હવે વધીને 12 હજાર થઇ ગઇ છે. હજુ આવનારા મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોની દૈનિક અવર-જવર 15 હજાર થઇ શકે છે. ગુજરાતના અન્ય એરપોર્ટમાંથી વડોદરાને રૂપિયા 43.78 કરોડ, સુરતને રૂપિયા 30.43 કરોડ, રાજકોટને રૂપિયા 23.49 કરોડના નુકસાનનો સામનો કરવો પડયો હતો. રસપ્રદ રીતે પોરબંદર અને કંડલા એરપોર્ટને 2018-19, 2019-20માં નુકસાન થયું હતું. જ્યારે 2020-21માં નફો કર્યો હતો.

વડોદરા એરપોર્ટને રૂપિયા 43.78 કરોડનું નુકસાન થયુ ( ફાઈલ ફોટો)
વડોદરા એરપોર્ટને રૂપિયા 43.78 કરોડનું નુકસાન થયુ ( ફાઈલ ફોટો)

રાજ્યના એરપોર્ટને કુલ રૂપિયા 127 કરોડથી વધુનું નુકસાન
2020-21 દરમિયાન રાજ્યના એરપોર્ટને કુલ રૂપિયા 127 કરોડથી વધુનું નુકસાન થયું છે. 2019-20માં રાજ્યના એરપોર્ટમાંથી કુલ 1.42 કરોડ લોકોએ મુસાફરી કરી હતી. પરંતુ 2020-21માં મુસાફરોની સંખ્યા ઘટીને 50 લાખે પણ પહોંચી શકી નથી. વર્ષ 2020-21 દરમિયાન દેશના અન્ય મોટા એરપોર્ટમાં મુંબઇને રૂ 384.81 કરોડ, દિલ્હીને રૂ. 317.41 કરોડ, ચેન્નાઇને રૂ. 253.39 કરોડ, કોલકાતાને રૂ. 31.04 કરોડના નુકસાનનો સામનો કરવો પડયો હતો.

ગુજરાતના વિવિધ એરપોર્ટને થયેલ નફો અને નુકસાન

એરપોર્ટ2018-192019-202020-21
અમદાવાદ52.4645.71-94.1
ભાવનગર-16.81-10.72-7.1
ભૂજ-8.24-6.89-5.51
દીવ-3.79-5.33-4.51
જામનગર-2.73-3.53-3.15
કંડલા-7.62-5.110.11
કેશોદ-3.62-4.06-5.23
પોરબંદર-15.28-1.921.55
રાજકોટ-30.48-24.63-23.49
સુરત-22.84-27.48-30.43
વડોદરા-54.22-42.66-43.78

(નોંધઃ - નિશાની નુકસાની દર્શાવે છે)

અન્ય સમાચારો પણ છે...