ગુજરાત હાઇકોર્ટમાં વિચિત્ર કેસ:85 વર્ષનો પતિ 80 વર્ષની પત્નીને કંગાળ હાલતમાં છોડી US ભાગ્યો, 18 કરોડ ભરણપોષણ રૂપે ચૂકવવાના છે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • કોર્ટના 7 ઓર્ડર છતાં પૈસા આપતો નથી, પત્નીની માનસિક હાલત પણ કથળી

ગુજરાત હાઇકોર્ટ સહિત અલગ અલગ કોર્ટના ભરણપોષણના 7 વખત હુકમ છતા 85 વર્ષનો પતિ છેલ્લા 23 વર્ષથી 80 વર્ષની પત્નીને 18 કરોડનું ભરણપોષણ ચૂકવ્યા વગર અમેરિકા નાસી ગયો છે. ભરણપોષણ વગર પત્નીની સ્થિતિ કફોડી બની ગઇ છે. માનસિક સ્થિતિ બગડતાં તેમને બ્રહ્માકુમારીના રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. પતિએ પત્નીને છૂટાછેડા આપ્યા વગર અમેરિકામાં બીજા લગ્ન કરી લીધા છે. હાઇકોર્ટે અગાઉ દર મહિને દોઢ લાખ ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. તેમ છતાં પતિએ એક રૂપિયો આપ્યો નથી.

25 વર્ષ અગાઉ પત્નીને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરનાર પતિએ પત્નીને છોડી દીધી હતી. પત્નીને છોડીને અમેરિકા નાસી ગયેલા પતિ સામે પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. ફેમિલી કોર્ટના આદેશ બાદ ભરણપોષણ નહીં ચૂકવતા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. હાઇકોર્ટે પણ અનેક વખત મહિને દોઢ લાખ ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યા છે છતા પણ પતિએ કોર્ટની અવમાનના કરીને 23 વર્ષથી એક રૂપિયો પણ આપવા ઇન્કાર કર્યો હતો. 1997થી આજદીન સુધી વ્યાજ સહિત 18 કરોડ રૂપિયા પતિએ પત્નીને ચૂકવવાના થાય છે.

અડિયલ પતિએ કોર્ટ સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો
ભાગી ગયેલા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કરેલી અરજીમાં કોર્ટે કડક વલણ દાખવતા પતિએ હાઇકોર્ટ સામે અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહી પણ એક રૂપિયો પણ ભરણપોષણ નહી ચુકવે તેમ કહી દેવામાં આવ્યું હતું. અમેરિકામાં તેણે બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા છે. તો પહેલી પત્નીની માનસિક સ્થિતિ અત્યંત દયનીય છે. તેને માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારી સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે.

પતિને USથી શોધી લાવવા ગૃહ મંત્રાલયની ખાતરી
જીતેન્દ્ર પટેલ નામના વ્યકિતએ તેની પત્નીને આપેલા ત્રાસથી પત્નીની હાલત બગડતા તે સોંગદનામું કરતા પણ ડરે છે. જીતેન્દ્ર પટેલે તેને કેસ પાછા ખેંચી લેવા સતત દબાણ કર્યું છે. તેનાથી પત્ની ડરી રહી હતી. કોર્ટને આ અંગે જાણ કરતા પૂર્વ ચીફ જસ્ટિસ વિક્રમનાથે ગૃહ મંત્રાલયને પતિને શોધવા માટે મદદ કરવા આદેશ કર્યો હતો. ગૃહ મંત્રાલયે તે માટે ખાતરી આપી હતી. આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...