કોરોનાવાઈરસ:ગુજરાતમાં એક જ દિવસે વિક્રમી 85 હજારથી વધુ ટેસ્ટ, બુધવારે 1,364 નવા કેસ, કુલ કેસ 1.17 લાખ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1,364 નવા કેસ નોંધાયા હતા અને આ સાથે હવે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,17,709 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં દર દસ લાખ લોકોએ 1,733 લોકોને કોરોનાનું સંક્રમણ લાગી ચુક્યું છે.

આ ઉપરાંત કુલ 1.17 લાખ કેસના 13.8 ટકા લેખે 16,294 લોકો હાલ સંક્રમણ ધરાવે છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1,447 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે અને આ સાથે કુલ સાજા થયેલાં દર્દીઓની સંખ્યા 98,156 પર પહોંચી છે. હાલ ગુજરાતમાં કુલ 83.5 ટકા જેટલાં દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

આ ઉપરાંત બુધવારે વધુ 12 દર્દીઓના મૃત્યુ થયાં. અત્યાર સુધીમાં કુલ 3,259 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થઇ ચૂક્યા છે. ગુજરાતનો મૃત્યુદર 2.8 ટકા છે. હજુ રાજ્યમાં 98 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. હાલ ગુજરાતમાં 6.23 લોકો ક્વોરન્ટાઇન છે. આ ઉપરાંત મંગળવારે એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 85,153 ટેસ્ટ થયાં છે અને અત્યાર સુધીમાં કુલ 35.23 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દર દસ લાખની વસ્તીએ હાલ 51,867 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે.

ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની યાત્રા પર કટાક્ષ કરતાં કહ્યું કે નમસ્તે ટ્રમ્પ બાદ નમસ્તે પાટીલ જેવા કાર્યક્રમને કારણે ગુજરાતમાં અસંખ્ય લોકોને કોરોના સંક્રમણનું જોખમ ઊભું થઇ ગયું અને સાંસદ અભય ભારદ્વાજની હાલત ગંભીર છે.

ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના ભાવ 2500થી ઘટાડી 1500 કરાયા
ગુજરાતમાં હવેથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાના આરટી પીસીઆર ટેસ્ટનો ચાર્જ 1000 ઘટતાં 2,500ના બદલે 1,500 રૂપિયામાં થશે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આ માટે ચાર્જ 4,500થી 5,000 રૂપિયા હતો. તેને બદલે હવે માત્ર 1,500 રૂપિયામાં ટેસ્ટ થશે. જો કે સરકારી લેબોરેટરીમાં તો આ ટેસ્ટ તદ્દન વિનામૂલ્યે જ થશે.

રાજ્ય સરકારની કોરોના સંક્રમણ સમીક્ષા માટે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બનેલી કમીટીએ આ નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે બુધવારે મોડી સાંજે આ જાહેરાત કરી હતી. પટેલે જણાવ્યું કે અગાઉ હાઇકોર્ટે માર્ગદર્શન આપ્યું હતું કે ખાનગી લેબમાં ટેસ્ટ કરવા સરકારે મંજૂરી આપવી જોઇએ અને તેથી સરકારે આ મંજૂરી આપી હતી. જ્યાર દર્દીના ઘરે કે તે જે દવાખાને હોય ત્યાં જઇને સેમ્પલ લેવાનું હોય તો સર્વિસ ચાર્જના 500 રૂપિયાના વધારા સાથે કુલ 2,000 રૂપિયાનો ચાર્જ રહેશે.

કોરોનાની રસી નવેમ્બર સુધીમાં આવી શકે
રશિયાની સંસ્થા આરડીઆઈએફએ ભારતમાં કોરોના વાઈરસની વેક્સિન સ્પુટનિક વીની ક્લિનિકલ ટ્રાયલ તથા વિતરણ માટે ભારતીય કંપની ડૉ. રેડ્ડીઝ લેબ સાથે કરાર કર્યો છે. બંને કંપનીઓ વચ્ચે થયેલ સમજૂતી અનુસાર આરડીઆઈએફ(રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ) ભારતીય કંપનીને વેક્સિનના 10 કરોડ ડોઝ સપ્લાય કરશે. આરડીઆઈએફના સીઈઓ કિરિલ દમિત્રિએવે જણાવ્યું કે વેક્સિન એડિનોવાઈરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે અને જો તેની ટ્રાયલ સફળ રહેશે તો તે નવેમ્બર સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...