આપની રોજગાર ગેરંટી યાત્રા:ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં 82600 બેરોજગાર નોંધાયા, 25600એ ઓફલાઈન અને 57000એ ઓનલાઇન નોંધણી કરાવી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરાઈ હતી. જે હિંમતનગરથી સાંતલપુર સુધી કુલ ચાર જિલ્લામાં 11 દિવસ સુધી ચાલી હતી. રોજગારી ગેરંટી યાત્રામાં બેરોજગારો માટે રોજગાર નોંધણી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 25,600 ઓફલાઈન અને ઓનલાઇન 57,000 નોંધણીઓ થઈ છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં જઈને ગેરંટી કાર્ડની નોંધણી કરશે.

યાત્રામાં અમને હેરાન કરવામાં આવતા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ 11 દિવસમાં અમે લગભગ 50 જેટલી સભા કરી છે. જેમાં એક દિવસમાં 2000 જેટલા યુવાનો જોડાયા હતા. એટલે કે 11 દિવસમાં લગભગ 10,000થી પણ વધારે યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. આ યાત્રામાં અમને વચ્ચે વચ્ચે સરકારના ગુંડાઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તેનો પણ અમે સામનો કર્યો, જે જગ્યાએ સભા હોય તે જ જગ્યાએ વીજ કાપ મૂકી દેવામાં આવતો તેનો પણ અમે સામનો કર્યો, છતાંય જે યુવાનો છે, તેમની વેદના અને વ્યથા અમે સાંભળી છે.

વિદ્યાર્થીઓની વ્યથાને વાચા આપશે
રોજગારીને લગતા જે મુખ્ય પ્રશ્ન છે. જેના છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલ નથી આવ્યા. જેમ કે ઘણી બધી પરીક્ષાઓના ફોર્મ ભર્યા બાદ પણ નિમણૂક પત્ર નથી આવ્યા. બેરોજગાર યુવાનો દ્વારા અમારી પાસે માંગણી કરવામાં આવી છે કે, ત્રણ ત્રણ વખત સીપીટીની પરીક્ષા લેવામાં આવી છે. પરંતુ હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, આરોગ્ય કર્મચારીઓની જે ભરતી થઈ છે, એમાં પણ નિમણૂક પત્ર હજી સુધી મળેલા નથી. એટલે અમે નિમણૂક પત્રની માંગણીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ પાસે વિદ્યાર્થીઓની વ્યથાને લઈને જવાના છીએ. આમ જે સમસ્યાઓ જાણી જોઈને ઊભી કરવામાં આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓની સાથે છે.

વિદ્યાર્થીઓ સાથે ખભેખભો મિલાવી ઊભા છીએ
અમને જાણવા મળ્યું છે કે, સીપીટી એજન્સી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ હકદાર હતા, લાયક હતા તે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી નથી. તમામ વિદ્યાર્થીઓ સાથે અમે ખભાથી ખભો મિલાવીને ઊભા છીએ. અને જ્યાં પણ તેમણે અમારી જરૂર પડશે ત્યાં અમે તેમણી ચોક્કસ મદદ કરીશું. અત્યાર સુધી અમે બોગસ અને ભ્રષ્ટાચારથી બનેલી ડિગ્રીઓના આધાર પુરાવા આપ્યા હતા, તે આધાર પુરાવા હોવા છતાંય કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી. અને ગેરલાયક વ્યક્તિઓની પસંદગી પણ આ રીઝલ્ટમાં થઈ રહી છે. જે લોકો આ કૌભાંડના ભાગીદાર હતા, તેમની પણ પસંદગી રિઝલ્ટમાં કરવામાં આવી છે. આના પરથી સાબિત થાય છે કે સરકાર જાણી જોઈને ફક્ત તેમના મળતીયાઓને રોજગાર આપી રહી છે.

પેપરલીકમાં કોઈ પ્રકારની તપાસ કરાઈ નથી
અત્યાર સુધી પેપર ફૂટવાની ઘટના, ગેરરીતિની ઘટના અને પેપર લીકની સામે આવી એમાં આધાર પુરાવા સાથે જે માહિતી આપવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. ત્યારબાદ ઓડિટરનું જે ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પણ જે મુખ્ય આરોપીઓ હતા, એવા 72 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારોના નામ અમે આપેલા છે. છતાં એ જ 22 જણના સિલેક્શન આ સરકાર કરવા જઈ રહી છે. આ દોગલી નીતિ છે જેમાં પોતાના મળતિયાઓને લેવા, પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું અને પોતાના કાર્યકર્તાઓને કોઈપણ ડિગ્રી ન હોવા છતાં તેને નોકરી આપવી, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.

યુવાનો ખૂબ જ ગંભીર વ્યથામાંથી પસાર થઈ રહ્યા છે
આ યાત્રા દરમિયાન અમે જોયું કે યુવાનો ખૂબ જ ગંભીર વ્યથામાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા યુવાનો વર્ષોથી સરકારી નોકરી માટેની તૈયારી કરે છે, ઘણા નોકરી વાંચ્છુક યુવાનો અને તેમના માતા પિતાઓએ અશ્રુભરી આંખે અમારી સમક્ષ પોતાની વેદનાઓ વ્યક્ત કરી અને કહ્યું કે આ વખતે ચોક્કસ પરિવર્તનની જરૂરત છે. અત્યારે જનતામાંથી એક નારો ઉઠ્યો છે કે 'હર ઘર ઝાડું, ઘર ઘર ઝાડું'. આ જે નારો છે, આમ આદમી પાર્ટીની આંધી છે અને ગુજરાતની જનતાનો જે જનશૈલાબ છે એના પરથી લાગી રહ્યું છે કે, છેલ્લા 27 વર્ષથી જે કુશાસનના મૂળિયા નાખીને બેઠા છે એ મૂળિયા હવે ઉખડી જવાના છે અને તેમના સૂપડા સાફ થવાના છે.

અમારી ગેરંટીઓની કોંગ્રેસ પાર્ટીએ નકલ કરી
યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું અત્યારે કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી અને તે લોકો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મહેનત કરી રહ્યા છે અને રોજગારી આપવાની વાત કરી રહ્યા છે. પરંતુ અમે સૌથી પહેલા દસ લાખ સરકારી નોકરીઓ માટેની ઘોષણા કરી હતી. કોંગ્રેસની જે જાહેરાતો છે, એ જાહેરાતો જોતા લાગે છે કે આમ આદમી પાર્ટી એ જે ગેરંટીઓ આપી છે તે ગેરંટીઓની કોંગ્રેસ પાર્ટીએ નકલ કરી છે. આ પરથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીએ જે ગેરંટીઓ આપી તે ગેરંટીઓને જનતા સ્વીકારી રહી છે. એટલા માટે જ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની નકલ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પાસે 78 થી વધુ ધારાસભ્ય હતા અને તેઓ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં હતા ત્યારે તેઓ સદંતર વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. મોંઘવારી મુદ્દે પેપર લીક મુદ્દે કે અલગ અલગ ભાવ વધારા મુદ્દે જ્યારે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરવાની જરૂરત હતી ત્યારે તેઓ ક્યાંય દેખાયા નહીં અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીની ગેરંટીઓની નકલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...