અંગદાનની સંખ્યામાં વધારો:ગુજરાતમાં બે વર્ષમાં અંગદાનના કિસ્સા 817 થયા, અંગદાન માટે રાજ્યમાં 8,996 સંકલ્પો થયા

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં અંગદાનના કિસ્સાની સંખ્યા વધીને 817 થઈ ગઈ છે, જે 2020ના કેલેન્ડર વર્ષના અંત સુધીમાં 448 હતી. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં જીવિત વ્યક્તિઓ તરફથી કરાયેલા અંગદાનના કિસ્સાની સંખ્યા 345 હતી, જે વધીને 669 થઈ, જ્યારે 2020ના અંત સુધીમાં મૃત વ્યક્તિઓના અંગોનાં દાનના કિસ્સાની સંખ્યા 103 વધીને 2022ના અંત સુધીમાં 148 થઈ. આ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં અંગદાનના કિસ્સાની કુલ સંખ્યા 7519થી વધીને 13,695 થઈ ગઈ છે. અંગદાન માટે નોંધાયેલા સંકલ્પોની દૃષ્ટિએ ગુજરાતમાં 8,996 સંકલ્પો થયા છે, જ્યારે સમગ્ર દેશમાં કુલ સંકલ્પોની સંખ્યા 4,48,582 છે.

ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા અંગદાન થયા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે 14 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. નથવાણીએ દેશમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં તેમજ ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા અંગદાન થયા છે અને કેટલા લોકોએ અંગદાન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિશે જાણવા માગતા હતા.

રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી
રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી

અંગદાન જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં
મંત્રીના નિવેદન મુજબ, ભારતમાં અંગદાન અંગે જાગૃતિ વધારવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં NOTTO (નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન), ROTTO (પ્રાદેશિક અંગ અને ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) અને SOTTOs (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ફિઝિકલ, ટીવી, ડિજિટલ અને સોશિયલ મીડિયા ચેનલો તથા બહુવિધ કાર્યક્રમો દ્વારા અંગદાન અંગેની માહિતીના પ્રસારનો સમાવેશ થાય છે.

65 વર્ષની વય મર્યાદા દૂર કરવામાં આવી
સરકારે મૃત દાતાના અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા દર્દીઓની નોંધણી માટે રાજ્યના નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ મૃત દાતાના અંગ મેળવવા માટે નોંધણી માટેની પાત્રતા માટે 65 વર્ષની વય મર્યાદા દૂર કરવામાં આવી છે, એમ મંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...