• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 80% Of The Cost Of Construction Of Percolating Wells For Underground Water Storage In Ahmedabad, Muni. However, Only 14 Societies Applied

લોકોને રસ નથી:અમદાવાદમાં ભૂગર્ભ જળસંચય માટે પરકોલેટિંગ વેલ બનાવવા 80% ખર્ચ મ્યુનિ. ભોગવે, છતાં 14 સોસાયટીએ જ અરજી કરી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જળસંચય અભિયાન 2022 અંતર્ગત અમદાવાદ શહેરમાં ભૂગર્ભ જળ માટે પરકોલેટિંગ વેલ બનાવવા માટેની અલગ પોલીસી બનાવવામાં આવી છે. શહેરમાં આવેલી સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટિંગ વેલ બનાવવા માટે પ્રોત્સાહન મળે તેના ભાગરૂપે કુલ ખર્ચના 80 ટકા કોર્પોરેશન ખર્ચ ભોગવે અને 20 ટકા જે-તે ઘરના માલિક ખર્ચ ભોગવે તે મુજબ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જો કે, પરકોલેટિંગ વેલ બનાવવા માટે બે મહિનામાં માત્ર 14 જેટલી સોસાયટીએ જ અરજી કરી છે. જેથી કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પરકોલેટિંગ વેલ માટેની આ યોજના લોકો સુધી પહોંચાડી શક્યા નથી અને લોકો ખાસ આ બાબતે રસ દાખવ્યો નથી.

સોસાયટીના લે-આઉટ પ્લાનમાં પણ ક્યાંય પરકોલેટિંગ વેલ નથી
અમદાવાદમાં કેટલીક સોસાયટીઓ-ફ્લેટમાં બિલ્ડરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મિલિભગતના કારણે નકશામાં પરકોલેટિંગ વેલ જે મુજબ હોવી જોઈએ તે ન હોવા છતાં બતાવી બીયુ પરમિશન મેળવી લીધી છે. જેના કારણે પણ અરજી કરી અને આ યોજનાનો લાભ તેઓ મેળવી શકતા નથી. સોસાયટીના લે-આઉટ પ્લાનમાં પણ ક્યાંય પરકોલેટિંગ વેલ નથી તેવું પણ કેટલીક સોસાયટીઓ અને ફ્લેટોમાં જાણવા મળ્યું છે. જેના કારણે તેઓ આ યોજનાનો લાભ લઇ શકતાં નથી.

પરકોલેટીંગ વેલ બનવવાનો અંદાજિત ખર્ચ રૂ. 2.64 લાખ આસપાસ
શહેરમાં પી.પી.પી. ધોરણે પરકોલેટીંગ વેલ બનાવવાને પ્રોત્સાહન મળે તે માટે કુલ ખર્ચના 80 ટકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવે તથા 20 ટકા રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, બહુમાળી મકાનની સોસાયટી એપાર્ટમેન્ટ દ્વારા લોકફાળો આપવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પરકોલેટીંગ વેલ બનવવાનો અંદાજિત ખર્ચ રૂ. 2.64 લાખ આસપાસ થાય છે. જેમાં 80 ટકા ખર્ચ એટલે કે રૂ. 2.11 લાખ કોર્પોરેશન અને બાકીના 50000 આસપાસ સોસાયટીએ ખર્ચ કરવાનો રહે છે. જૂન મહિનામાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ઇજનેર વિભાગ દ્વારા આ યોજનાની પૂરતી માહિતી લોકો સુધી ન પહોંચી હોવાના કારણે માત્ર 14 જેટલી સોસાયટીઓએ અત્યારે રસ દાખવ્યો છે.

જનભાગીદારીથી કરવાના પરકોલેટીંગ વેલ માટેની શરતો

  • આ યોજના અંર્તગત વહેલા તે પહેલાના ધોરણે બજેટની ઉપલબ્ધતા પ્રમાણે બજેટની મર્યાદામાં પરકોલેટીંગ વેલના કામો મંજૂર કરવાના રહેશે.
  • આ યોજના અંર્તગત સહાય મેળવવા માટે સોસાયટીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાનો રહેશે. જ્યાં સોસાયટી ન હોય ત્યાં સોસાયટીના તમામ સભ્યની સહી સાથે અરજી કરવાની રહેશે.
  • આ યોજના અંર્તગત સહાય મેળવવા માટે પરકોલેટીંગ વેલની જગ્યા દર્શાવતો સોસાયટીનો લે-આઉટ પ્લાન સોસાયટી દ્વારા રજૂ કરવાનો રહેશે.
  • અરજદાર સોસાયટીના કુલ મકાનો પૈકી 50% મકાનોનો મ્યુનિ.મિલકતવેરો ભરાયલો હોવો જોઇએ જે અંગે સોસાયટી દ્વારા અરજીમાં અચૂક ઉલ્લેખ કરેલ હોવો જોઇએ.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચનો જે અંદાજ નક્કી કરવામાં આવે તેના 20 ટકા રકમ સોસાયટીના લોકફાળા તરીકે સોસાયટીએ મ્યુનિ.કોર્પો.માં જમાં કરાવવાની રહેશે.
  • આ યોજના હેઠળ કરવાના થતાં કામો માટે નાણાં ખાતા દ્વારા ફાળવેલ બજેટ કોડમાં ખર્ચ પાડવાનો રહેશે તથા સોસાયટીના લોકફાળાની રકમ પરકોલેટીંગ વેલ અંર્તગત અલગથી બજેટ હેડ નક્કી કરી તેમાં જમા કરાવવાની રહેશે.
  • પરકોલેટીંગ વેલ યોજના હેઠળ પરકોલેટીંગ વેલ બનાવવા માટે આ સાથે સામેલ ડ્રોઈંગ તથા એબસ્ટ્રેક્ટ મુજબ સદર કામગીરી કરવા માટે 60 મીટર ઊંડાઇ પ્રમાણે આઇટમો તેમજ તેના ભાવ લઇ અંદાજ બનાવેલ છે પરંતુ જરૂરિયાત મુજબ રહેણાંક વિસ્તારના ક્ષેત્રફળ પ્રમાણે જરૂરી ઊંડાઇ તથા સાઇઝમાં પરકોલેટીંગ વેલ તૈયાર કરવાનો થાય તો તે મુજબ અંદાજ બનાવવાનો રહેશે.
  • સોસાયટી અથવા રેહેણાંક મિલકત કે અન્ય જગ્યાએ હયાત બોરવેલ કરવાની થાય તો આ સાથે સામેલ એબસ્ટ્રેક્ટના PART-Bનો ઉપયોગ કરી તે મુજબ અંદાજ બનાવવાનો રહેશે.
  • કામગીરી પૂર્ણ થયા બાદ દર વર્ષે ચોમાસા પહેલા તેના મેઇન્ટેનન્સની કામગીરી સોસાયટીએ સ્વખર્ચે કરવાની રહેશે અને લેખિતમાં બાંહેધરી આપવાની રહેશે.
  • પરકોલેટીંગ વેલ સુધી વરસાદી પાણી પહોંચાડવા માટે જરૂરી કેચપીટ તથા તેને લગતી તમામ કામગીરીનો એસ.ઓ.આર.આધારિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચનો જે અંદાજ નક્કી કરવામાં આવે તેના 20 ટકા સોસાયટીના લોકફાળા તરીકે સોસાયટીએ મ્યુનિ.કોર્પો.માં રકમ જમા કરાવવાની રહેશે.
  • ઉપરોક્ત મુદ્દા સિવાય સ્થળ પરિસ્થિતિ તેમજ તાંત્રિક કારણો અનુસાર કોઇ ફેરફાર કરવાનો થાય તો મ્યુનિ.કમિશનરની મંજૂરી મેળવવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...