રાજ્યમાં જુલાઈ માસમાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનાથી જ મેઘરાજા રિસાયા છે. ઓગસ્ટ મહિનામાં હજુ સુધી ખેડૂતો અમી છાંટણાંની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાત પર હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. વરસાદ ખેંચાતાં ગુજરાતનાં અડધાથી વધુ જળાશયોમાં 50 ટકાથી પણ ઓછું પાણી બાકી રહ્યું છે. રાજ્યમાં આવેલા 206 નાના-મોટા ડેમમાંથી માત્ર પાંચ ડેમ જ 100 ટકા ભરાયા છે, જ્યારે 80 જેટલા ડેમમાં 20 ટકાથી ઓછું પાણી જ બાકી રહ્યું છે.
49 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી
નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગના ડેટા મુજબ, 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં 5 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. આ ડેમમાં અમરેલીનો ધારવડી ડેમ અને સૂરજવાડી, જામનગરનો ફૂલઝર-1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ, તાપીના દોસવાડા ડેમનો સમાવેશ થાય છે, જ્યારે 49 ડેમમાં 10 ટકાથી પણ ઓછું પાણી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 46.63 ટકા પાણીનો જથ્થો છે.
સૌરાષ્ટ્રના 4 અને દક્ષિણ ગુજરાતનો 1 ડેમ છલકાયા
રાજ્યના ઝોન મુજબ ડેમની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 15 ડેમ આવેલા છે. આ તમામ ડેમમાં થઈને સરેરાશ 24.42 ટકા પાણી બચ્યું છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે, એમાં 43.97 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 57.98 ટકા પાણી છે, જેમાંથી 1 ડેમ સંપૂર્ણ 100 ટકા પાણીથી ભરાઈ ગયો છે. કચ્છમાં 20 ડેમમાં 22.88 ટકા પાણી ભરેલું છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં 40.69 ટકા પાણી છે, જેમાં 4 ડેમ 100 ટકાની કેપેસિટી સુધી ભરેલા છે.
રાજ્યના મોટા ડેમની શું છે સ્થિતિ?
જિલ્લો | ડેમનું નામ | સ્ટોરેજ (ટકાવારીમાં) |
બનાસકાંઠા | દાંતીવાડા | 8.62% |
બનાસકાંઠા | સિપુ | 0.79% |
નર્મદા | કરજણ | 48.11% |
મહેસાણા | ધરોઈ | 34.16% |
પંચમહાલ | પાનમ | 40.43% |
મહીસાગર | કડાણા | 43.78% |
અરાવલી | વાત્રક | 30.77% |
તાપી | ઉકાઈ | 59.46% |
છોટાઉદેપુર | સુખી | 58.71% |
વલસાડ | દમણગંગા | 53.24% |
ભાવનગર | શેત્રુંજી | 70.43% |
જામનગર | Und-1 | 48.79% |
રાજકોટ | ભાદર | 22.90% |
મોરબી | મચ્છુ -2 | 54.74% |
મોરબી | મચ્છુ-1 | 18.28% |
મોરબી | બ્રહ્માણી | 33.21% |
અરવલ્લી | હાથમતી | 32.11% |
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં માત્ર 6 એમએમ વરસાદ
ગત વર્ષે ઓગસ્ટ 2020ના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 78 એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વખતે માત્ર 6 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ 2019ના પ્રથમ સપ્તાહમાં 186 એમએમ તથા ઓગસ્ટ 2018ના પ્રથમ સપ્તાહમાં 4.13 એમએમ વરસાદ નોંધાયો હતો.
ડાંગર, કપાસ સહિતના પાકોને લઈને ખેડૂતો ચિંતામાં
અમદાવાદમાં વરસાદ ખેંચાઇ જતાં ખરીફ વાવેતરને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે, જેને કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડયા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતાં આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.
મગફળીમાં સુકારો, કપાસમાં ઈયળ
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખૂબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચને કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું, પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરૂ થઇ ગયો છે. જગતાત મુશ્કેલીમાં મુકાયો છે.
દુષ્કાળના ભણકારા
ગુજરાતમાં વરસાદ ખેંચાતાં દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. મોટા ભાગનાં જળાશયો ખાલી છે. સુરેન્દ્રનગરના 11 ડેમમાં માત્ર 17 ટકા જ પાણી છે. એમાંથી નીંભણી, મોરસલ અને સબૂરી એમ ત્રણ જળાશયો તો તળિયાઝાટક છે. આવી જ હાલત ગુજરાતના તમામ જિલ્લાઓની છે. ઓગસ્ટમાં ગુજરાતના 50 ટકાથી વધુ ડેમ ભરેલા હોય છે, પણ આ વખતે 61 ટકાથી વધુ ડેમ ખાલી જેવા છે. જો ગુજરાતમાં ખૂબ સારો વરસાદ નહીં આવે અને ડેમ ભરાશે નહીં તો આવનારા દિવસોમાં ગુજરાતે દુષ્કાળનો સામનો કરવો પડશે. ગયા વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં જામનગર જિલ્લામાં મોસમનો 107 ટકા વરસાદ વરસી ગયો હતો, જ્યારે આ વખતે મોસમનો માંડ 36 ટાકા જ વરસાદ વરસ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.