મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. પાટીલે જણાવ્યું કે, આજે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે. સરકાર શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. સાથે જ શાસન અને સુશાસન વચ્ચેનો તફાવત પણ 8 વર્ષમાં જોવા મળ્યો છે. આયુષ્માન યોજના દ્વારા 3.50 કરોડ લોકોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી છે.
11 કરોડ શૌચાલયનું નિર્માણ થયું: પાટીલ
તેઓએ વધુમાં જણાવ્યું કે, કોરોનાકાળમાં પણ વેક્સિનેશનની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. કોરોનાકાળમાં કરોડો લોકોને મફત રસી આપવામાં આવી છે. સાથે જ જનધન યોજનામાં 45 કરોડથી વધુ ખાતા ખુલ્યા છે. તેમજ 11 કરોડ શૌચાલયનું નિર્માણ થયું છે. કોરોના મહામારીમાં સરકારે અનાજના ભંડાર ખુલ્લા મુક્યા. 1.33 કરોડ યુવાનોને કૌશલ્ય વિકાસ યોજના હેઠળ તાલીમ અપાઈ છે. દેશમાં ત્રિપલ તલાકનો કાયદો લાવી મુસ્લિમ મહિલાઓનો ડર દૂર કર્યો.
36.80 કરોડ LED બલ્બનું વિતરણ કરાયું: સીએમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્રની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવું છું. 8 વર્ષમાં સરકાર અને સરકારે લીધેલા નિર્ણયોથી દેશ બદલાતો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી માતૃ વદના યોજનામાં રૂ.10 હજાર કરોડની સહાય આપવામાં આવી છે. ઉજવાલા યોજનામાં 36.80 કરોડ LED બલ્બનું વિતરણ કરાયું. કિશાન સન્માન નીતિ યોજનામાં 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા દર વર્ષે નાખવામાં આવી રહ્યાં છે.
12 કરોડ માતા-બહેનોને વિનામૂલ્ય LPG ગેસ કનેક્શન આપ્યા: સીએમ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગરીબ કલ્યાણ યોજનામાં 12 કરોડ માતા-બહેનોને વિનામૂલ્ય LPG ગેસ કનેક્શન આપ્યા છે. જલ જીવન મિશન અંતગત છેલ્લા 3 વર્ષમાં 6 કરોડ 30 લાખ ઘરોમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે. સાથે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.