છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ યુ-ટર્ન લીધાના 8 બનાવ બન્યા છે. જેમાં ટ્રાફિક દંડ, હોળીની ઉજવણી અને ઑફલાઇન શિક્ષણ સહિતના નિર્ણય સામેલ છે.
ટાઈમ ટેબલ જાહેર કર્યાના 20 કલાક પછી ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે મંગળવારે બોલાવેલી બેઠક પછી સીબીએસઇ સંલગ્ન શાળામાં ધો. 12ની વાર્ષિક પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના પગલે ગુજરાત સરકારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના કુલ 6.92 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાનો બુધવારે મળેલી કેબિનેટમાં નિર્ણય લીધો છે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. દરમિયાનમાં તેમણે નવું શૈક્ષણિક સત્ર તા. 7 જુનથી હાથ ધરાશે, પણ વિદ્યાર્થીઓએ શાળાએ આવવાનું રહશે નહીં,ઓનલાઇનજ જ સ્ટડી રહેશે તેવી જાહેરાત કરી હતી. કેબિનેટની બેઠક પછી ગુજરાત સરકારના નિર્ણયની જાહેરાત કરતા શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, દેશભરમાં કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સંલગ્ન શાળાઓની ધો. 12 પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો તેને અમે સમર્થન આપીએ છીએ અને આ વર્ષ માટે ધો. 12ની પરીક્ષા રદ કરીએ છીએ.
પરિણામ કઇ રીતે તૈયાર થશે, જેઇઇ-નીટ કેન્દ્ર કહેશે તેમ કરીશું- ચુડાસમા,શિક્ષણ મંત્રી
ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ પછી મેડિકલ,ઇજનેરી,આઇઆઇટી, ડેન્ટલ,આયુર્વેદિક જેવા મહત્વના અભ્યાસક્રમોમાં પ્રવેશ અપાય છે. આ માટે જેઇઇ-નીટ જેવી પરીક્ષા લેવાય છે, પણ પ્રવેશના મેરીટમાં ધો. 12ની વાર્ષિક પરીક્ષાના પરિણામનું માપદંડ પણ હોય છે. આવા સંજોગોમાં પરિણામ કઇ રીતે તૈયાર કરવું તે પણ એક પડકાર છે ત્યારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના જે માર્ગદર્શિકા જાહેર કરે તે પ્રમાણે ધો. 12નું પરિણામ અને નીટ-જેઇઇ જેવી પરીક્ષા લેવાનો નિર્ણય લેશે તેમ શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું હતું.
દરમિયાનમાં ગુજરાત સરકારે કેબિનેટ મિટીંગમાં નિર્ણય લઇ ધોરણ 12ની પરિક્ષા રદ્દ રાખવાનું નક્કી કર્યું. પરંતુ આ નિર્ણય અંગે સત્તાવાર રીતે સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા જાહેરાત કરે તે પહેલા ભાજપના ભૂતપૂર્વ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે સોશિયલ મીડિયા પર અડધો કલાક પહેલાં જાહેરાત કરી દીધી. ઋત્વિજની આ પોસ્ટ તેમના ફોલોઅર્સે લાઇક કરવાનું તથા તેના પર પ્રતિક્રિયા આપવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે આ અંગે પાર્ટીના નેતાનું ધ્યાન જતાં તેમને ઠપકો આવ્યો અને ઋત્વિજે પોતાની આ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી.
આ મામલે ઋત્વિજે જણાવ્યું કે તેમની ગેરસમજ થઇ હોવાથી તેમણે આ પોસ્ટ શેર કરી હતી. આ અંગે જાહેરાત થઇ નથી તેનો તેમને ખ્યાલ ન હતો. કોઇ જગ્યાએ આ અંગે ટીવી ચેનલ પર સમાચાર જોઇને મેં આ પોસ્ટ મૂકી હતી પરંતુ વિવાદ ન થાય તેથી મેં આ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.