અમદાવાદમાં વેક્સિનેશન:કોવિન પોર્ટલ પર માત્ર બે મિનિટમાં 8 હજારનું રજિસ્ટ્રેશન થઈ જાય છે, રસી ખૂટી પડતાં લોકો રોજ હોબાળો મચાવે છે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિકોલના મંગળ પાંડે હોલમાં રવિવારે બપોરે 12 વાગ્યા પછી વેક્સિન ખૂટી પડતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
નિકોલના મંગળ પાંડે હોલમાં રવિવારે બપોરે 12 વાગ્યા પછી વેક્સિન ખૂટી પડતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
  • 18થી 44 વયજૂથના લોકોને રસી માટે 80 કેન્દ્રો છે, દરેક કેન્દ્ર પર 100થી વધુનું રજિસ્ટ્રેશન થતું ન હોવાથી પરેશાની
  • નિકોલના મંગળ પાંડે હોલ પર બપોરે 12 વાગતામાં જ રસી ખૂટી પડી, ધક્કો પડવાને કારણે લોકોએ હોબાળો મચાવ્યો

પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. અમદાવાદમાં આ વયજૂથના લોકોને વેક્સિન લેવા કુલ 80 જેટલા સેન્ટરો નક્કી કર્યા છે. વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર ઉપર 100થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. રજિસ્ટ્રેશન કરવા કોવિન પોર્ટલની વિન્ડો સાંજે 6થી 11 દરમિયાન ખૂલે છે. જોકે ફકત બે મિનિટમાં જ 8 હજાર રજિસ્ટ્રેશન પૂરા થઈ જાય છે. રસી ખૂટી પડતાં લોકો રોજેરોજ હોબાળો મચાવે છે. સંખ્યાબંધ લોકોની ફરિયાદ છે કે, કોવિન પોર્ટલ વિઝિટ કરે ત્યારે બુક્ડનું સ્ટેટસ જોવા મળે છે. આથી નવા રજિસ્ટ્રેશનમાં લોકોને પરેશાની થઈ રહી છે.

18થી 44 વયજૂથના લોકોએ વેક્સિન લેવા ફરજિયાત કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું છે. અમદાવાદમાં આ વયજૂથના આશરે ત્રીસ લાખ લોકો છે જેની સામે કોવિન પોર્ટલ ઉપર આઠ હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ રહ્યા નથી. આ હિસાબે લાખો લોકો કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા મોડી રાત સુધી મથામણ કરે છે. એક તરફ સરકારે લોકોને વેક્સિન લેવા જાગૃત કર્યા છે અને બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદીત કરવામાં આવ્યો છે. કોવિન સોફ્ટવેરમાં જે લોકોના રજિસ્ટ્રેશન થઈ રહ્યાં છે તેમને ટાઈમ સ્લોટ આપવામાં આવતો નથી તેના કારણે 18થી 44 વયજૂથના લોકોએ સેન્ટર ઉપર કેટલા વાગ્યે જવું તેની સ્પષ્ટતા થતી નથી.

કુલ 83557એ વેક્સિન લીધી

તારીખવેક્સિન
9 મે7552
8 મે5789
7 મે6183
6 મે8250
5 મે14279
4 મે14231
3 મે6910
2 મે7074
1 મે13289
કુલ83557

​​​​​​​​​​​​​​સાયન્સ સિટી રસી કેન્દ્ર પર ભારે અવ્યવસ્થા
શહેરના જુદાજુદા વિસ્તારના સાત કમ્યુનિટી હોલમાં 45 વર્ષ ઉપરના લોકોનું વેક્સિન થઈ શકે તે માટે રવિવારે વ્યવસ્થા કરાઈ હતી. વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સવારથી લોકોની ભીડ હતી. આજુબાજુના વેક્સિનેશન સેન્ટરો બંધ હોવાથી બધી ભીડ આ સેન્ટર ઉપર થઈ હતી. ખાસ કરીને સ્પોટ રજિસ્ટ્રેશન અને ઓન લાઈન રજિસ્ટ્રેશન કર્યું હોય એવા લોકો માટે જુદી વ્યવસ્થા ના હોવાથી તકરારનો માહોલ સર્જાયો હતો. ટાગોર હોલ ઉપર સવારે 9થી 9.30 વચ્ચે રસી આપવાની શરૂઆત થાય છે. તેમ છતા લોકો સવારે 7 વાગ્યાથી લાઈનમાં આવીને ઊભા રહી જતા હોવાથી પહેલા બે કલાકમાં લોકોની ભારે ભીડ જામે છે.

અન્ય સમાચારો પણ છે...