પાર્કિંગની મુશ્કેલી નિવારવા કોર્પોરેશને એસવીપી હોસ્પિટલ નજીક રિવરફ્રન્ટ રોડ ઉપર 60 કરોડના ખર્ચે તૈયાર કરેલું 8 માળનું પાર્કિંગ એપ્રિલના પહેલાં સપ્તાહમાં લોકો માટે ખૂલ્લું મુકાશે. આ પાર્કિંગ માટે ઘરે બેઠાં બેઠાં સ્લોટ બુક કરાવી શકાશે. આ પાર્કિંગમાં 1 હજાર કાર પાર્ક થઈ શકશે.
માર્ચ-2019માં પાર્કિંગ બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ હતી. જોકે કોવિડના કારણે લગભગ એક વર્ષથી વધારે સમય માટે તેનું નિર્માણ બંધ રહ્યું હતું. સાબરમતી નદી ઉપર તૈયાર થયેલા સૌથી આકર્ષક ફૂટ ઓવર બ્રિજ સુધી પહોંચવા પાર્કિંગ બિલ્ડિંગને જોડતો વોક વે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. પાર્કિંગમાં કાર પાર્ક કરીને લોકો ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરમાં સીધી એન્ટ્રી મેળવી શકશે. આ ઉપરાંત પાર્કિંગના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મોટા સ્ક્રીન ઉપર ખાલી સ્લોટની માહિતી મળશે.
એસવીપી અને વીએસ હોસ્પિટલના ડૉક્ટર્સ અને દર્દીઓ માટે વિશેષ એન્ટ્રી આપવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વિશાળ જગ્યામાં મોલ સાઈઝની દુકાનો પણ છે. મ્યુનિ. તેને વેચાણ અથવા ભાડેથી આપશે. ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર.કે.મહેતાએ જણાવ્યું કે, મોટાભાગના વિકસિત દેશોમાં એપ્લિકેશન બેઝ પાર્કિંગની સુવિધા હોવાથી આ લેટેસ્ટ પાર્કિંગમાં તેની વ્યવસ્થા કરાઈ છે. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું કે, શહેરમાં પાર્કિંગની સમસ્યાને જોતાં પ્રહલાદનગર, સિંધુ ભવન રોડ અને ચાંદલોડિયામાં પણ મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર કર્યા છે જે, 6 મહિનામાં શરૂ કરાશે.
પાર્કિંગની વિશેષતાઓ - ઘરે બેઠા જ પાર્કિંગ સ્લોટ બુક થશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.