દરિયાકાંઠે માઇક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ:પ્રવાસન અને માછીમારીના કારણે રાજ્યના 8 દરિયાકાંઠા માઇક્રોપ્લાસ્ટિકથી પ્રદૂષિત; દ્વારકા, સોમનાથ, માંડવી, સૂત્રાપાડામાં સૌથી વધુ અસર

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: મૃણાલ  ભોજક
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાતના સૌથી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને સોમનાથના દરિયાકાંઠે માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ વધી રહ્યું હોય એવું સંશોધનના આંકડાઓથી સામે આવ્યું છે. રાજ્યના 20 રેતાળ દરિયાકાંઠા ખાતે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું છે કે સૂત્રાપાડા સાઇટ-1 માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત છે. કચ્છના માંડવી ઉપરાંત કોડીનાર આશારમાતા, ધામલેજ અને બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુરનો પણ માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણથી પ્રભાવિત 8 દરિયાકાંઠામાં સમાવેશ થાય છે.

પોરબંદરનો દરિયાકાંઠો સૌથી ઓછો પ્રદૂષિત છે. માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ દરિયાઈ જીવો માટે એક વિકટ સમસ્યા બની ગઈ છે તેને ધ્યાને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના અધ્યાપક ડૉ. જિજ્ઞેશ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ PhD વિદ્યાર્થી વસંતકુમાર રબારી, અધ્યાપક સહાયક હેરિશ પટેલ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઝુલોજીના PhD વિદ્યાર્થી કૃપલ પટેલ દ્વારા આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સંશોધન અહેવાલ પ્રસિદ્ધ સામાયિક મરીન પોલ્યુશન બુલેટિનમાં પ્રકાશિત થયો છે. આ સંશોધનમાં માનવસર્જિત પ્રવૃત્તિના પ્રમાણ અનુસાર ગુજરાત રાજ્યના 20 વિવિધ રેતાળ દરિયાકાંઠા પસંદ કરવામાં આવ્યા હતા. દરિયાકાંઠાઓ માઇક્રોપ્લાસ્ટિકથી પ્રભાવિત થવા પાછળ સૌથી મહત્વના પરિબળો પ્રવાસન અને માછીમારી માનવામાં આવી રહ્યા છે. દરિયાકાંઠે મળેલા માઇક્રોપ્લાસ્ટિકમાં સૌથી વધુ 89.98 ટકા પ્લાસ્ટિકના દોરાઓ, 4.75 ટકા ફિલ્મો, 3.36 ટકા ટુકડા, તથા 1.89 ટકા ફોમનો સમાવેશ થાય છે. જેમાં 47.5 ટકા પોલિપ્રોપીલીન, 26 ટકા પોલિઇથલિન અને 25 ટકા પોલિસ્ટરીન નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...