કેન્દ્ર સરકારે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ 128 પદ્મ એવોર્ડ્સની જાહેરાત કરી છે. જેમાં 8 ગુજરાતીઓના નામ સામેલ છે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને કળા અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પદ્મ ભૂષણ એવોર્ડ અપાશે. આ ઉપરાંત ડો. લતાબેન દેસાઈ, માલજીભાઈ દેસાઈ, સવજીભાઈ ધોળકિયા, જયંતકુમાર મગનલાલ વ્યાસ, ગામિત રમીલાબેન રાયસિંગભાઈ તથા દાદરા અને નગર હવેલી તથા દીવ અને દમણના પ્રભાબેન શાહને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે.આ ઉપરાંત ખલિલ ધનતેજવીને કળા અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.
એવોર્ડ | પદ્મ ભૂષણ | યોગદાન |
1 | સ્વામી સચ્ચિદાનંદ | કળા અને શિક્ષણ |
એવોર્ડ | પદ્મશ્રી | યોગદાન |
1 | ડો. લતાબેન દેસાઈ | મેડિસીન |
2 | માલજીભાઈ દેસાઈ | જાહેર બાબતો |
3 | ખલીલ ધનતેજવી (મરણોપરાંત) | કળા અને શિક્ષણ |
4 | સવજીભાઈ ધોળકિયા | સામાજિક કાર્ય |
5 | જયંતકુમાર મગનલાલ વ્યાસ | સાયન્સ અને એન્જિનિયરિંગ |
6 | કુ. ગામિત રમિલાબેન રાયસિંગભાઈ | સામાજિક કાર્ય |
7 | પ્રભાબેન શાહ | સામાજિક કાર્ય |
સવજી ધોળકિયા સુરતના ઉદ્યોગપતિ
સવજીભાઈ ધોળકીયા સવજી કાકાના નામે જાણીતા છે. તે ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાલા ગામના રહેવાસી છે. સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને અમરેલીથી સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું, તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો, જ્યારે આજે તેમની કંપનીની નેટ વેલ્યૂ 6 હજાર કરોડથી વધુ રૂપિયા છે. કંપનીમાં અંદાજે 6500 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 600 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપી ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી પણ સવજી ધોળકીયાની કંપનીમાં ગયા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. સવજી ધોળકીયાએ વતન દુધાલામાં એક અત્યાધુનિક તળાવનું નિર્માણ કર્યું છે જેનું નામ નારણ સરોવર રાખ્યું છે. પોતાના ગામવાસીઓને પાણીની અછત ન રહે તે માટે તેમણે તળાવને ઉંડું કરાવી આધુનિક બનાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.